આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૨
રાસચંદ્રિકા
ચાંદલિયા ! ફર તો જરા રે!
♦ ગોવાળિયે ઘેલાં કીધાં રે. ♦
ફર તો જરા, છે જોવું મારે,
ચાંદલિયા ! ફર તો જરા રે ! —
રોજ રોજ એક તારું મુખડું બતાવે,
જેમ આવે તેમ હઠે કાં રે ?
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૧
ઘાટ ઘાટ રચે તારું નાવડું રૂપેરી,
તેનું તે જ દેખી મન હારે :
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૨
નાવડું આ તારું સરે આભને સરોવરે,
તોય ના ઉતારે પેલી પારે :
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૩
શાંત ને સુધાભરી આ આંખ તારી ઓપતી,
પેલી ગમની કેવી પલકારે ?
ચાંદલિયા ! ફર તો જરા રે ! ૪