પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દાંપત્ય
૨૧૧
 


પ્રીતડી કરી તમોશું પીધાં અમે વિખડાં,
તમે શું પુરુષ જાણો જરીએ રે ?
હો રસિયાજી!

જીવન ને પ્રાણ અમ સોંપ્યા તમ હાથે,
તારો જો તમે જ તો તરીએ રે:
હો રસિયાજી!

સાગર તજીને જવું ઊડવા આકાશે,
પાંખો વિના બાથોડાં ક્યાં ભરીએ રે?
હો રસિયાજી!

પ્રીતડીની યારી તરવાર છે બેધારી :
ચૂકતાં કપાઈ ઝટ મરીએ રે;
હો રસિયાજી!

ઘેલાં થયાં અમો તે તમો ડાહ્યા માટે;
અદ્દલ અટળ સ્નેહ સ્મરીએ રે!
હો રસિયાજી!
આવડું તે આળ નવ ધરીએ!