પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાસચંદ્રિકા
 


મા તુજ ગરબો ભરતો આભે ચેતનના અંબાર રે;
અમ ગરબામાં પણ આજે, મા ! પૂરજે તુજ ઝબકાર !
પૂજીએ પ્રાણ ભરી .

રસના રાસ રમી તુજ ચોકે, જગત ખીલે ચોમેર રે :
એ રસમાં રસમય બનતાં સહુ ઝીલીએ, મા તુજ મહેર !
પૂજીએ પ્રાણ ભરી.

વિરાટ તુજ પગલીપગલીએ અદ્દલ ઝરે તુજ ઓજ રે :
તુજ આંગણ અમ પગલી પણ, મા ! ઠમકી રહો એમ રોજ !
પૂજીએ પ્રાણ ભરી.

જયજય હો જગની માત  ! પૂજીએ પ્રાણ ભરી :
બની ભક્તિરસે રળિયાત, પૂજીએ પ્રાણ ભરી.