પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૧૬
રાસચંદ્રિકા
 


હોય વીરશોણિત તે ઊનું ઊનું ઊછળે,
હું તે શું આ હિમમાં થિજાઉં ?
ઊઠો, સ્વામી મારા !

પાઘ બાંધું કેસરી ને કમર બાંધું કસકસી;
ધસમસી ઝુકાવો, હું હુલાઉં !
ઊઠો, સ્વામી મારા !

અંગના ભલે હું તોય વીરની વીરાંગના,
વીરના જ વહાલમાં ગૂંથાઉં:
ઊઠો, સ્વામી મારા !

વીરની ઘડી ખરી, ન કાયરાની જીંદગી:
વધો, સ્વામી ! જયગીતો હું ગાઉં !
ઊઠો, સ્વામી મારા !