પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંસારવિષાદ
૨૩૫
 


જુગના જુગ જતા કંઇ લાગે, ગણતાં નાવે પાર :
કાળા કાળ વિષે પડી કંથથી છૂટી અભાગી નાર :
મોંઘા મારા નાથ પધારો આજ !

રંગમહેલે રસરાસ રમાડી પાયાં અમૃત અમોલ :
તરછોડેલી નાત તે તરસે સુણવા હવે એક બોલ !
મોંઘા મારા નાથ પધારો આજ !

જડ આ જગતની શ્યામ ઘટામાં ઘૂઘવે ઘોર સમીર :
નાર અનાથ એકાંત વહાવે નયને અનહદ નીર :
મોંઘા મારા નાથ પધારો આજ !

ઘન ગાજે ને વીજ ઝબૂકે, બોલે દાદુર મોર;
કંથ વિના મુજ થરથર કંપે કાલજડાની કોર :
મોંઘા મારા નાથ પધારો આજ !

ઝગમગતાં સહુ રત્નને શું કરું ? શું કરું સોળ શણગાર ?
સ્વામી વિના મને એ સહુ લાગે ધધગતા અંગાર !
મોંઘા મારા નાથ પધારો આજ !

લોક કહે જપતપ કીધે વહાલો મળે સાક્ષાત :
હું દુખીએ વ્રત કોડ કીધાં પણ વહાલાની ક્યાં વાત ?
મોંઘા મારા નાથ પધારો આજ !