પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૬
રાસચંદ્રિકા
 


વનવનમાં મુજ વહાલમ શોધું, શોધું સકળ સંસાર :
પ્રેમઘેલી બની 'પ્રીતમ ! પ્રીતમ !' ઝંખું અધીરી નાર :
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૦

ઘાડાં વાદળ જોઉં ઉપર ઉભાં, નીચે ધરા પાતાળ ;
ઉષ્ણ અરણ્ય ચોપાસ વીંટે ત્યાં કોણ રે લે સંભાળ ?
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૧

આવો, આવો, વહાલમ આવો, દઇએ અલિંગન ઉર :
વિયોગની વાત્ડલી, વહાલા ! કરશું પછી ભરપૂર !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૨

તારક કોડ ભલે ચમકે પણ રજની ચહે શશિરાજ :
ભર્યું ભર્યું બ્રહ્માંડ આ ખાલી લાગે વિના શિરતાજ !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૩

વહાલા શું અબળા તરછોડી, કઠણ થયા ઉર ક્રૂર ?
એક વેળા ભગવાન ! મળો તો કદી ન જવા દઉં દૂર !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૪

ધગધગતા જલસાગરતીરે ઊભી આશાભર, શ્યામ !
આવો, ઊંડે ઉર અવિચળ આપો વિરહિણીને વિશ્રામ !
મોંઘા મારા નાથ પધારો આજ ! ૧૫