પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
રાસચંદ્રિકા
 


માજીની તાળીએ રે કે સૂર્ય ચંદ્ર થાપ્યા, સાહેલડી,
અણઠર્યા ઘૂમતા રે કે ગરબે વ્યાપા, સાહેલડી ! ૯

માજીને પાવલે રે કે ફાલ કંઇ ફૂટ્યા, સાહેલડી ,
કંકણ ખંખેરતાં રે કે ધૂમકેતુ છૂટ્યા, સાહેલડી ! ૧૦

માજીને ચાંદલે રે કે દિશદિશ ઝબકે, સાહેલડી ,
ઝાંઝરને ઝમકે રે કે કુંકુમ ટપકે, સાહેલડી ! ૧૧

માજીની ઓઢણી રે કે ઘેરી ભૂરી, સાહેલડી,
અકલા કલા રે કે ઊડે રસપૂરી, સાહેલડી ! ૧૨

ઊંડા ઊંડાણમાં રે કે સોણલે હાલ્યો, સાહેલડી !
માજીના શબ્દથી રે કે કાળ ઊઠી ચાલ્યો, સાહેલડી ! ૧૩

ખાલી પોલાણમાં રે કે ચેતન જાગ્યાં, સાહેલડી ,
અંધારાં સળક્યાં રે કે મૉરવા લાગ્યાં, સાહેલડી ! ૧૪

સૂતેલાં સત્યો રે કે જાગતાં ઝગારે, સાહેલડી,
સરકેલો દોરલો રે કે ફરી કર ધારે, સાહેલડી ! ૧૫

માજીને એકલાં રે કે ગાવા ન ભાવ્યાં, સાહેલડી,
દેવો ને દેવીઓ રે કે સાથમાં બોલાવ્યાં, સાહેલડી ! ૧૬

માજીને ગીતડે રે કે સૂરજ ડોલ્યા, સાહેલડી,
અગ્નિ ને અમીમાં રે કે ગ્રહો ઝબકોળ્યા, સાહેલડી ! ૧૭