પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પૂજન
૧૭
 


માજીને ગરબે રે કે કામણ ન્યારાં, સાહેલડી;
ગોળ ગોળ ફરતાં રે કે તેજ ને અંધારાં, સાહેલડી ! ૧૮

ગરબાના ગોફમાં રે કે તત્ત્વ સૌ ગૂંથાયાં સાહેલડી,
આંસુ ને હાસ્યનાં રે કે બંધને બંધાયાં, સાહેલડી ! ૧૯

નિદ્રાની વચ્ચે રે કે જીવન જાગે, સાહેલડી,
રજનીની વચ્ચે રે કે દિન ઊગ્યો લાગે, સાહેલડી ! ૨૦

અંતર અંગારા રે કે ફૂલડાં કપોલે, સાહેલડી;
શેરનાં છે ખેલવાં રે કે માજીને મહોલે, સાહેલડી ! ૨૧

આવજો, આવજો રે કે ગરબે ઘૂમવા, સાહેલડી !
માજીને આંગણે રે કે રંગભર રમવા, સાહેલડી ! ૨૨

માજીને પગલે રે કે પગલાં ઠમકો, સાહેલડી !
માજીના સૂરમાં રે કે સૂર પૂરી ઝમકો, સાહેલડી ! ૨૩

માજીની તાળીએ રે કે તાળી દેજો, સાહેલડી !
ગરબે એ ઘૂમતાં રે લહાવ અદ્દલ લેજો, સાહેલડી ! ૨૪

ગગનનો ગરબો રે કે આવજો ગાવા, સાહેલડી !
માજીના સાથમાં રે કે ઝીલવા ઝુલાવા, સાહેલડી ! ૨૫