પૃષ્ઠ:Raschandrika Part 1 and 2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિશ્વલીલા
૫૯
 



તારકડી

♦ શીખ સાસુજી દે છે રે કે વહુજી રહો ઢંગે. ♦


ઝીણી ઝીણી કંઇ ઝબકું રે ઝીણી હું તો તારકડી,
ઊંચે આભને કંઠે રે લાડુ સદા લાડકડી ;
ઘરદીવડી જેવી રે જાગું સારી રાત ઝગી,
આવે નીંદ ન કેમે રે, રહે ઉર આગ ધગી. ૧

છૂટી ગંગામાતાથી રે પડી હું તો એકલડી,
ઘૂમી ઘૂમીને ઊડું રે, ઠરું નહીં એક ઘડી :
જવું આગે ને આગે રે, નિરખવું ન પાછું ફરી ;
દૂર દૂર કો ઠેલે રે, નહીં ત્યાં થોભાય જરી. ૨

આભ ઊડું ઊદેરું રે રહે કંઇ છપવી સદા,
વધૂં તેમ તેમ વાધે રે, ન કોથી મપાય કદા;
અણસમર્યા સમયથી રે અનંતનો પંથ વહું,
નહીં અંતરની કથની રે કદી હું તો કોને કહું. ૩