પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
દૂધ-ચોખા
૧૦૯
 

વળ્યો નહિ. અમે ઘોડાં ચોંપથી ચલવ્યાં. સહુને કહ્યું કે ભોજને આંબવા દેવો નથી. પણ અમે તે કેટલાંક તગડીએ?”

“કાઠિયાણી ! ભોજ આંબ્યો. બરછી ઉપાડી. મારી ટીલડી વીંધાવાની વાર નહોતી, ત્યાં તો આપણા બરકંદાજોએ ભડાકો કરી નાખ્યો.”

“આજ એને વિસારીને તારા દૂધ-ચોખા ખાવા એ સહેલું નથી.”

ભાણું ઠેલીને નાજો ખાચર ઊભો થઈ ગયો. કાઠિયાણીએ ઠામ ભેળાં કરી લીધાં. તે વખતે ધરતીમાંથી પ્રેત ઊઠે એમ દુશ્મન એારડામાં આવી ઊભો રહ્યો.

“કોણ, શાદૂળભાઈ? આવ, બાપ, ભલે આવ્યો !”

“કાળકર્મા ! આજ તને આ દૂધ-ચોખાએ બચાવ્યો. તારે માથે હવે હું તલવાર શી રીતે ચલાવું? ગોત્રહત્યાના કરનારા ! હવે કાલ્ય મેવાસે આવીને અંજળિ કસુંબો પાઈ જાજે.”

વેર નિતારીને કાઠી ભીમોરાને ડુંગરેથી ઊતરી ગયોયે. નાજો ખાચર પોતાના ભાઈની ખાનદાનીના વિચારમાં ગરક બન્યો. ખબર ન રહી અને પ્રભાતના કાગડા બોલ્યા. ઘડીએ ચડીને મેવાસાને ચોરે જઈ એણે કસૂંબો કાઢ્યો.