પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



૧૬
વોળાવિયા

બોટાદ શહેરના શેઠ ‘ભગા દોશી’, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયાનું કહેવાય છે.

હકીકત આમ હતી : ભગા દોશી નાહવા બેઠેલા. પેટની ફાંદ્ય એટલી બધી મોટી અને એવી તો કૂણી, કે ચાર ચાર ઊંડા વાટા પડે. નાહતાં નાહતાં જેમ ફાંદ્યમાં હાથ ફેરવીને વાટા માંયલો મેલ ધોવા ગયા, તેમ તે આંગળીમાંથી સોનાને ફેરવો ખેંચાઈને વાટામાં સલવાઈ રહ્યો. ચોગરદમ જુએ, પણ ફેરવો ક્યાંથી હાથ આવે?

નાહીને ઊભા થયા એટલે ટપ દેતો ફેરવો ફાંદ્યમાંથી સરી પડ્યો. એ વાતે ભગા દેશીને મલકમાં મશહૂર બનાવ્યા. આજ પણ ઓળખાણ દેવાય છે, કે ‘ઓલ્યા ભગા દોશી, જેની ફાંદ્યમાં ફેરવો ખોવાઈ ગયો’તો ’

આ ભગા દોશી સ્વામીનારાયણ પંથના હતા. એક વાર એણે વડતાલની જાત્રા આદરી. બોટાદથી ગાડું જોડાયું. સાથે ચાર વળાવિયા લીધા. એક નાથો ખાચર. એનો ભાઈ કાળો ખાચર ને બીજા બે કાઠી જુવાનો — ભત્રીજો શાદુળ ખાચર અને ભાણેજ માલો.

બપોર થયા ત્યાં બાવળા રઝોડાનું પાદર આવ્યું. તળાવ ભરેલું દીઠું. આપો કાળો અને આપો નાથો સ્વામીનારાયણના સેવક હતા, એટલે એમને સ્નાન કરવાનું મન થઈ આવ્યું.

૧૫૫