પૃષ્ઠ:Rasdhar4.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વોળાવિયા
૧૫૭
 


“હે કાળમુખા ! અટાણ સુધી શીદ જીભના લોચા વાળ્યા? અમારું મોત કરાવ્યું. ભગા શેઠ ! હવે તો મોંમાંથી ફાટો કે એ દીકરા કેણી કેર ઊતર્યા ?”

“આપા, ઉગમણા ઊતરી ગયા છે, પણ હવે એ વાતનો બંધ વાળો. એ છે જાડા જણ, અને છેટું પણ હવે પડી ગયું છે.”

“અરે, રામ રામ ભજો, શેઠ ! બંધ શું વાળે ?” એટલું બોલીને કાળા ખાચરે પોતાની અગર નામની ઘોડીને ઉગમણી મરડી. પછવાડે તાજણ ઉપર નાથો ખાચર અને બે કાઠી જુવાન : પલકારા ભેળા તે આગના ભડકા જેવા કાઠીઓ ઉગમણા ફાફળમાં ઊતરી ગયા. સામે જુએ, ત્યાં દાગીનાના ખડિયા ભરીને કોળી ઠાકરડા ચાલ્યા જાય છે.

કાઠીઓએ તરવાર ખેંચી. પચીસ ઠાકરડા ઉપર ત્રણ ખાંડાની તો ત્રમઝટ બોલવા માંડી. માત્ર નાથા ખાચરનું શરીર ભારે, એટલે ઘોડીના કાઠામાં કમર ભીંસાઈ ગઈ છે; તલવારની મૂઠને રૂપાના વાળાની સાંકળી ગૂંથેલી કોંટી બાંધેલી. ઘણીય ઝોંટ મારે પણ કોંટી તૂટતી નથી, તલવાર નીકળતી નથી, શરીર કાઠામાં ભીંસાણું છે, એટલે કોંટી છોડાય તેમ નથી.

પણ ત્રણ કાઠીઓએ કામ પતાવી લીધું. ખડિયા પછાડીને ઠાકરડા ભાગ્યા. પૂરેપૂરો માલ પાછો લઈને કાઠી પાછા ગાડા ભેળા ગયા. ત્રણ ગાઉ ગયા ત્યારે ખબર પડી કે અગરના તરિંગમાં તો બરછી ખૂંતી ગઈ છે, અને લોહી ઊડતું આવે છે તોય આછો ડાબો પડવા દેતી નથી !

*

એ જ કાળા ખાચરને એક વાર બુઢાપો આવ્યો. પોતે લોયા ગામમાં રહે છે.

એમાં ધ્રાંગધ્રા તાબે ધોળિયા ગામનું ધાડું લોયાને માથે ત્રાટક્યું. સાથે ભારાડી કોળી આંબલો પણ છે. આંબલો બોલ્યો :