પૃષ્ઠ:Rasdhar4.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણનમ માથાં
 


એમ હરખના નાદ કરતા દસ ભાઈબંધોએ એ સામી બજારે દોટ દીધી, વીસળને બાથમાં લઈ લીધો. દસ ને એક અગિયાર જણા કેસરિયાં પાણી કરીને લૂગડાં રંગે છે. સામસામાં અબીલગુલાલ છાંટે છે. માથાના મોટા મોટા ચોટલા તેલમાં ઝબોળે છે.

મોરલા જેવા બાર ભાઈબંધોનાં મોતનાં પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબૂમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરવીને પોતે પસ્તાવો કરવા લાગ્યો કે, “ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બાર નિરપરાધી વીરપુરષો વટના માર્યા મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જાશે. યા અલ્લા ! મેં ખોટ ખાધી. મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઊગરવાને ઈલાજ બતાવો ?”

“ઈલાજ છે, ખુદાવંદ,” વજીર બેલ્યો, “આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દીવાલે લઈ જઈએ. વીસળ રાબો ઝાંપેથી નીકળવા જશે. એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ, એને આપણે સંભળાવી દેશું કે, અમને તેં પીઠ દેખાડી, હવે જંગ હોય નહિ.”

સુલતાનની ફોજ ગામની પછવાડેની દિશાએ જઈ ઊભી. અગિયારે ભાઈબંધો સગાંવહાલાંને જીવ્યા-મૂઆના જુહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો : “વીસળભા ! વેરીની ફોજ ગામની પછીતે ઊભી છે. અને ઝાંપેથી જાશો તો અણનમ વીસળે ભારથમાં પારોઠનાં [૧] પગલાં ભર્યાં કહેવાશે, હો !”

“પારોઠનાં પગલાં ! વીહળો ભરશે?” વીસળભાની આંખોમાં તેજ વધ્યાં : “ધાનરવ ભા ! નાગાજણ ભા ! રવિયા ! લખમણ ! ખીમરવ ! દરબારગઢની પછીત તોડી નાખો. સામી


  1. ૧. પીઠનાં