પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

ઉત્તર શેડ્યુ કઢ્ઢિયું, ડુંગર ડમ્મરિયાં,
હેડો તડફે મચ્છ જીં, સજણ સંભરિયાં.

ઓતરાદા આભમાં વાદળીઓની શેડ્યો ચડી, ડુંગર ઉપર મેઘાડંબર ઘઘૂંભ્યો. આણું વળીને મહિયરથી ચાલી આવતી કામિનીઓ જેમ પોતાના સ્વામીનાથ ઉપર વહાલ વરસાવતી હોય તેમ વાદળીઓ લીલુડા ડુંગરાને હૈયે અઢળક નીરે ઢળવા લાગી. અને થોડા પાણીમાં માછલું તરફડે તેમ ઓઢાનું હૈયું તરફડવા મંડ્યું. ઓહોહો ! ઓઢાને સ્વજન સાંભર્યા. પોતાની જન્મભોમ સાંભરી. બાળપણના મિત્રો સાંભર્યા. વડેરો ને નાનેરો ભાઈ સાંભર્યા. કિયોર કકડાણાનો પથ્થરે પથ્થર અને ઝાડવે ઝાડવું સાંભરી આવ્યાં. ઓઢો ઉદાસ થઈ ગયો. જન્મભોમની દિશામાં જોઈ રહ્યો.

દીકરાઓ બાપુ પાસે રમવા આવ્યા. જીવતરમાં તે દિવસે પહેલી જ વાર બાપુએ બેટાઓને બોલાવ્યા નહિ. દોડીને દીકરાઓએ માતાને જાણ કરી. “માડી, બાપુ આજ કેમ બેલતા નથી ?”

લપાતી લપાતી હોથલ આવી. હળવેક રહીને એણે પછવાડેથી ઓઢાની આંખો દાબી દીધી.

તોય ઓઢો બોલ્યો નહિ.

“ઓઢા જામ ! શું થયું છે? રિસાણા છો? કાંઈ અપરાધ?”

ત્યાં તો કેહૂ...ક ! કેહૂ...ક ! કેહૂ...ક ! મોરલો ટૌક્યો – જાણે કિયોરની ધરતીમાંથી મોરલો સંદેશા લઈને કનરે ઊતર્યો. ડળક ! ડળક ! ડળક ! ઓઢાની આંખમાંથી આંસુ વહેવા મંડ્યાં.

“મારો પીટ્યો મોરલો વેરી જાગ્યો !” કહીને હોથલે હાકલ દીધી.

મત લવ્ય મત લવ્ય મોરલા, લવતો આઘો જા,
એક તો ઓઢો અણોહરો, ઉપ૨ તોંજી ધા.

ઓ મોરલા, તારી લવારી કરતો તું દૂર જા. આજ એક તો મારો ઓઢો ઉદાસ છે, અને તેમાં પાછો તું ધા પોકારીને એને વધુ અફસોસ કાં કરાવી રહ્યો છે?