પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૩૭
 


અને મોરલા ! —

મારીશ તોંકે મોર, સિગણજાં ચડાવે કરે,
અયેં ચિતજા ચોર, ઓઢેકે ઉદાસી કિયો.

તું ઊડી જા, નીકર તને તીર ચડાવીને વીંધી નાખીશ, હે ચિતડાના ચોર, આજ તેં મારા ઓઢાને ઉદાસ કરી મૂક્યો.

કેહૂક ! કેહૂક ! કેહૂક ! કરતો મોરલો જાણે કે જવાબ વાળે છે: હે હોથલ ! —

અસીં ગિરવરજા મોરલા, કાંકર પેટભરાં,
(મારી) રત આવે ન બોલિયાં, (તો તો) હૈડો ફાટ મારાં.

હે પદમણી અમે તો ડુંગરના મોરલા. અમે ગરીબ પંખીડાં. કાંકરા ચણી ચણીને પેટ ભરીએ. અમારા જીવતરમાં બીજો કશોયે સ્વાદ ન મળે. પણ જો અમારી ઋતુ આવ્યેય અમે ન ટૌકીએ, ચૂપ બેસી રહીએ, અંતરમાં ભરેલાં ગીતોને દાબી રાખીએ, તો તો અમારાં હૈયાં ફાટી જાય. અમારું મોત થાય. અષાઢ મહિને અમારાથી અબોલ કેમ બેસાય ?

એટલું બોલીને ફરી વાર પાછો કેમ જાણે હોથલને ખીજવતો હોય તેમ મેરલો પોતાની સાંકળ(ડોક)ના ત્રણ ત્રણ કટકા કરીને કેહૂક ! કેહૂક ! ટૌકવા લાગ્યો.

હોથલે ખંભામાં ધનુષ્ય હતું તેની પણછ ચડાવી. ત્યાં તો ઓઢે હાથ ઝાલી લીધો “હાં ! હાં ! હાં ! હોથલ !?” —

ગેલી મ થા ગેલડી, લાંબા ન બાંધ્ય દોર,
ગાળે ગાળે ગળકશે, તું કેતાક ઉડાડીશ મોર?

હે ઘેલી, ધનુષ્યની પણછ ન બાંધ. ડુંગરની ખીણે ખીણમાં આ અસંખ્ય મોરલા ટૌકી રહેલ છે, એમાં તું કેટલાકને મારી શકીશ?

કરાયલકે ન મારીએં, જેંજા રત્તાં નેણ,
તડ વીઠાં ટૌકા કરે, નીત સંભારે સેણ.

અરે હોથલ, બિચારા મોરને તે મરાય? એનાં રાતુડાં નેત્ર જો, કેવાં પ્યારાં લાગે છે ! અને એ બિચારાં પંખી તો ટૌકતાં ટૌકતાં એનાં વહાલેશરીને સંભારે છે.