પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

 પણ આભની વીજળી જેમ પ્રચંડ જળધરને વીંધી લે, એમ જેસળની કમાનમાંથી છૂટેલા તીરે સાવજને આકાશમાં અધ્ધર ને અધ્ધર પરોવી લીધે. એના મરણની કારમી કિકિયારીએ રાતના આસમાનને જાણે ચીરી નાખ્યું. પછડાટી ખાઈને એ ધરતી માથે પડ્યો. એના પ્રાણ નીકળી ગયા.

પીરાણા પાટણનો દરબારગઢ તે દિવસે પ્રભાતે માનવીની ગિરદીમાં ફાટફાટ થાય છે. ‘શાબાશ ! શાબાશ !’ ના જાણે મેહુલા મંડાણા છે. પંદર વરસના બેટાઓની પીઠ થાબડતાં શૂરવીરો જાણે ધરાતા નથી.

“ઓઢા જામ ! આવા મહાવીરો જેનાં થાન ધાવ્યા છે તે જનતાની તો ઓળખાણ આપો ! જેસળ-જખરાનું મોસાળ કોણ ?”

ઓઢાના મુખમંડળ ઉપરની બધી કાન્તિ પલક વારમાં શોષાઈ ગઈ. સૂરજ ઉપર કાળી વાદળીના ઓછાયા ઊતર્યા. એને હોથલનો કરાર સાંભર્યો. એ કેમ કરી બોલે?

અમુક વાઘેલાના ભાણેજ, ફલાણા ઝાલાઓના ભાણેજ, સોલંકીના ભાણેજ— એમ કંઈ કંઈ બનાવટી નામ આપીને ઓઢાએ વાત ઉડાવી. પણ દાયરામાંથી દરેક વાર જાણકારોના જવાબ મળ્યા કે, ‘જૂઠી વાત ! એવું કોઈ કુળ નથી. એને કોઈ દીકરી નથી. સાચું કહો, ઓઢા જામ!’

ઓઢાની જીભ ખિલાઈ ગઈ. ડાયરો દાંત કાઢવા લાગ્યો. જેસળ-જખરાની આંખના ખૂણામાંથી અંગાર ઝર્યો. કેડેથી તલવાર તાણીને બેય ભાઈઓએ બાપના મસ્તક ઉપર તોળી.

“બાપુ, કેમ ગોટા વાળી રહ્યા છો? અમારી જનેતાના. કુળમાં એવું તે શું કલંક છે કે ભર દાયરા વચ્ચે અમારી હાંસી કરાવી રહ્યા છો? બોલો, નીકર ત્રણેનું લોહી અહીં છંટાશે.”