પૃષ્ઠ:Rasdhar4.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હોથલ
૪૫
 

“બેટા, રેવા દિયો, પસ્તાશો.”

“ભલે બ્રહ્માંડ તૂટે. બોલો.”

ઓઢાનું અંતર આવતી કાલના વિજોગની બીકે ચિરાઈ ગયું. હોથલને હાથમાંથી ઊડી જતી એ જોઈ રહ્યો. છાતી કઠણ કરીને એણે ઉચાર્યું: “દાયરાના ઠાકોરો ! દીકરાને માથે તો છે ઈંદ્રાપુરનું મોસાળ. એની જનેતા મરતલોકનું માનવી નથી, પદમણી છે.”

“પદમણી ! કોણ?”

“હોથલ !”

“વાહવા ! વાહવા ! વાહવા ! હોથલના પેટમાં પાકેલા પુત્રો ! હવે શી તાજુબી ! ઓઢાને ઘેર હોથલદે નાર છે. વાહ રે ઓઢાનાં તકદીર ! પદમણીનો કંથ ઓઢો !”

પણ જગતના જેજેકારમાં ઓઢાને સ્વાદ ક્યાંથી રહે ? વાયરા વાત લઈ ગયા. હોથલ છતી થઈ. અરેરે ! ઓઢા, વચને પળ્યો નહિ. હવે હોથલના ઘરસંસાર સંકેલાઈ ગયા.

ચિઠિયું લખિયલ ચાર, હોથલજે હથડે,
ઓઢા વાંચ નિહાર, અસંજો નેડો એતરો.

હોથલે આંસુડાં પાડતાં ઓઢાને કાગળ લખ્યો. ચાર જ વેણ લખ્યાં : ઓઢા, આપણો નેહ-સ્નેહનો આટલેથી જ અંત આવ્યો.

આવન પંખિ ઊડિયાં, નહિ સગડ નહિ પાર,
હોથલ હાલી ભોંયરે, ઓઢા તોં જુવાર,

ચિઠ્ઠી લખીને હાથલ ચાલી નીકળી. કનરાના ભોંયરામાં જઈ જોગણના વેશ પહેરી લીધા. પ્રભુને ભજવા લાગી, પણ ભજનમાં ચિત્ત શી રીતે ચોંટે?

ભૂંડું લાગે ભોંયરું, ધરતી ખાવા ધાય,
ઓઢા વણનાં એકલાં, કનરે કેમ રેવાય?

ભોંયરું ભેંકાર લાગે છે. ધરતી ખાવા ધાય છે. ઓઢા વિનાની એકલી હોથલ કનરામાં કલ્પાંત કરતી રહી છે.