પૃષ્ઠ:Rasdhar4.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
સૌરાષ્ટ્રની રસધાર
 

જાણે ફરી કોઈ દિવસે પાછું આવવાનું જ ન હોય એવી આંસુડેભરી આંખે ખોરડા સામે ટાંપી રહી. ખડકીમાંથી નીકળતાં પગ ભારે થઈ ગયા. છાનોમાનો નથુ પાદર સુધી વળાવવા ગયો. છલંગો મારતી મૃગલી જાણે પાછું વાળીને જોતી, લાકડીના છેડા ઉપર ટેકવેલા નથુના ગરીબડા મોં સામે તાકતી ગઈ. એનો છેલ્લો બોલ એક જ હતો :

“નથુડા, આવજે હો ! નીકર મારી સાતમ નૈ સુધરે.”

આઘે આઘે રૂપીના ઓઢણાનો છેડો પણ ઊડતો અલોપ થયે, ત્યારે એક નિસાસો મેલીને નથુ ગામમાં ગયો. કામકાજમાં એનું ચિત્ત પરોવાઈ ગયું.

“એક અરર ! માડી ! દીકરીને પીટ્યાંઓએ કામ કરાવેં કરાવેંને અધમૂઈ કરે નાખી. માથેથી મોડિયો ઉતાર્યા પહેલાં તો મૂવાં રાખહ જેવાંએ પાણીની હેલ્યું ખેંચાવવા માંડી.”

“પણ, માડી, તને કહ્યું કુણે?”

“કુણે શું, તારી પાડોશણુંએ. સવારથી સાંજ લગે દીકરીને ઓળીપામાં જ દાટેં દીધી, માડી ! આમ તે જો ! મોં માથે નૂરનો છાંટોય ન મળે. અને પદમ જેવી મારી રૂપીની હથેળિયું તો જો — રોગી ઉતરડાઈ જ ગી.”

“માડી, તને કોઈ ભંભેરે ગું (ગયું) છે, હો ! અમારાં પાડોશી ભારી ઝેરીલાં છે. તું કોઈનું માનીશ મા, હો ! અને તેં મને તેડું મોકલ્યું, તારેં નથુને કીમ ન તેડાવ્યો? ઈ તો રિસાઈને બેઠો છે. ઝટ દેને ખેપિયો મેલ્ય.”

“ચૂલામાં જાય તારો નથુડો ! મારે એ ભૂતને તેડાવવો જ નથ, અને લાખ વાતેંય તને પાછી ઈ ઘરને ઉંબરે ચડવા દેવી નથ. ઘણાય મેર મળી રહેશે, એકની એક દીકરીને આખો જનમારો ઓળીપામાં નથ દાટેં દેવી !”