પૃષ્ઠ:Rasdhar4.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
સૌરાષ્ટ્રની રસધારઃ ૪
 

સવાર પડ્યું. હૈયામાં વાત સમાતી ન હોય તેમ બેગમે બાદશાહની આંખ ઊઘડતાં જ વાત કરી કે “આ બે રજપૂતોની અંદર કંઈક ભેદ છે.”

“એમ? શું? કટકા કરી નાખું.”

“ના ના. કટકા કરવા જેવો નહીં, કટકા સાંધવા જેવો ભેદ છે. આ જોડીમાં એક પુરુષ છે, બીજી સ્ત્રી છે. વચ્ચે કોઈ ગુપ્ત વિજોગ છે.”

“દીવાની થા મા, દીવાની ! જોતી નથી, બેઉની આંખમાંથી અંગારા ઝરી રહ્યા છે?”

“પરીક્ષા કરો. પછી કોણ દીવાનું છે તે જોશો.”

“તેં શા પરથી જાણ્યું?”

“મધરાતે મારી આંખમાં નીંદર નહોતી. મેં અટારીમાંથી એક ઊંડા નિસાસો સાંભળ્યો. દીવાલો પણ એ નિસાસાના અવાજથી ધબકી રહી હતી. એક દુહો પણ એ બોલી. એવો દુહો ફક્ત ઓરતના હૈયામાંથી જ નીકળી શકે.”

“શી રીતે પારખી શકાય ?”

“એ રીત હું બતાવું. બેઉ જણને આપની પાસે દુધ પીવા બોલાવો. એમની સામે જ દૂધની તપેલી આગ ઉપર મેલાવો. દૂધ ઊભરાવા દેજો. ઢોળાવા દેજો. બેમાંથી જે રજપૂત એ દૂધ ઊભરાતું જોઈને આકુળવ્યાકુળ બને, તેને ઓરત સમજજો. એારતનો જીવ જ એવો છે કે દૂધ ઊભરાતું જોઈને એની ધીરજ નહીં રહે. મરદ એની પરવા પણ નહીં કરે. આ નિશાની એ ઓરતથી છુપાવી નહીં શકાય. ગાફેલ બનીને ઉઘાડી પડી જશે.”

બાદશાહે બેઉ રજપૂતોને બોલાવ્યા. દૂધ મુકાવ્યું. દૂધમાં ઊભરો આવ્યો.