પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શેત્રુજીને કાંઠે
89
 



પે’લા પે’લા જુગમાં, રાણી, તું હતી પોપટી ને
અમે રે પોપટ રાય, રાજા રામના.
ઓતરા તે ખંડમાં આંબલો પાક્યો ત્યારે,
સૂડલે મારી મને ચાંચ, રાણી પીંગલા!
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોય નો હાલી તું મારી સાથ, પીંગલા!
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.

દેવરાને ભજન બહુ પ્યારું લાગ્યું. એણે બાવા-બાવણને બોલાવી પોતાની ઓસરીએ બેસાડ્યા, ભજન આગળ ચાલ્યું:

બીજા બીજા જુગમાં રે તું હતી મૃગલી ને,
અમે મૃગેશર રાય, રાજા રામના.
વનરા રે વનમાં સાંધ્યો પારાધીડે ફાંસલો ને,
પડતાં છાંડ્યા મેં મારા પ્રાણ, રાણી પીંગલા !
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોય નો આવી તું મારી પાસ, પીંગલા!
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.

સાંભળી સાંભળીને દેવરાની છાતી. વીંધાવા લાગી

ત્રીજા ત્રીજા જુગમાં રે તું રાણી, બામણી ને,
અમે હતા તપસર રાય, રાજા રામના.
કંડળિક વનમાં રે ફૂલ વીણવા ગ્યા'તાં મુને,
ડસિયલ કાળુડો નાગ, રાણી પીંગલા! . .
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા ને,
તોય નો આવી તું મારી પાસ, પીંગલા!
દનડાં સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.

ચોથા ચોથા જુગમાં રે તું રાણી પીંગલા ને,
અમે ભરથરી રાય રે.
ચાર ચાર જુગનો ઘરવાસ હતો જી રે
તોય નો હાલી તું મારી સાથ, રાણી પીંગલા !
દનડા સંભારો ખમ્મા, પૂરવ જલમના સે’વાસના.