પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણની પ્રીત
111
 

'શેણી ! બેટા શેણી !’ કહીને સાદ કરે છે. ઠીક, જીતવા ! વેદાની દીકરી મને ભિખારીને પાણી ન પાય એનો ધોખો હોય કાંઈ ! ક્યાં હું નમાયો, નબાપો, નિર્ધન ને ક્યાં બાદશાહી બગીચાની ડોલર કળી !

વાળુ કરીને સહુ ફળીમાં ચંદ્રને અજવાળે ખાટલા ઢાળી બેઠાં છે. ઉનાળાની રાત, એટલે આભ જાણે હીરે મઢાઈ ગયું છે. શીતળ પવન ઝાડવાંની ડાળીઓ સાથે ભાતભાતના ગેલ કરી રહ્યો છે. અને એમાં પોતાની પાંચ ભેંસોએ વીંટી લીધેલા ખાટલા ઉપરથી વિજાણંદે જંતરને ખંભે લઈ બજાવવાનો આદર કર્યો. વાજિંત્રના પોલાણમાં પોઢેલી કોઈ વનદેવી પોતાના ભેરુનાં સુંવાળાં ટેરવાં અડતાંની વાર જ જાગીને પોતાના વીતકોની વાતો કરતી હોય તેવા વિલાપના સૂર સંભળાવા લાગ્યા. દીકરા વિહોણી માતા રોતી હોય, પિયુ-વિજોગણ અબળા રોતી હોય, ભાઈવછોઈ બહેન ઝંખતી હોય, પ્રભુએ ત્યજેલો ભક્ત વલવલતો હોય, અને ધણી વિનાનાં ઢોર ધા દેતાં હોય એવા ધ્વનિ નીકળવા લાગ્યા. વચ્ચે વચ્ચે વાજિંત્રના તારમાંથી મીંડના સૂર નીકળતા તો સાંભળનારા સહુને કલેજે ન કહેવાય, ને ન સહેવાય તેવું કંઈ કંઈ થાવા લાગ્યું. હાથમાં હોકા હતા તેની ફૂંકો લેવાતી બંધ થઈ, કૂતરાએ ભસવું છોડી દીધું, ભેંસો વાગોળતી અટકી ગઈ અને વેદાના ઘરની અંદરથી જાણે એક નિઃશ્વાસ નીકળ્યો હોય તેવો અવાજ સંભળાણો:

[૧]જંતર ઝાલ્યું હાથ, ભાંચળિયે ભાંગતી રાત્યનું,
સાથ લે સંગાથ, વાઢેલ સઢ વિજાણંદે.

[ભાંચળિયા શાખના એ વિજાણંદ ચારણે ભાંગતી રાતે બીન હાથમાં ઝાલીને બજાવ્યું. જાણે કે અમને પોતાની સંગાથે સંગીતના ઊંડા દરિયામાં લઈ જઈને પછી ત્યાં એણે અમારી નૌકાના સઢ છેદી નાખ્યા !]

વેદા ગઢવીને મોહ લગાડીને વિજાણંદ ચાલી નીકળ્યો. પણ પછી તો વારેવારે એને નોતરાં મળવા લાગ્યાં. જંતર લઈને વારંવાર વિજાણંદ


  1. 1.1. બીજો પાઠ:

    જંતર વાયું છે. આંગણિયે આવીને,
    કાળજ કરવતીએ, વાઢી ગિયો વિજાણંદો.