પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળાપણની પ્રીત
115
 



હરણ તારી ડોકમાં, ઘડાવું ઘૂઘરમાળ,
સોને મઢાવું શીંગડી, વિજાણંદ પાછો વાળ્ય !

[હે હરણ, તું ડાબી બાજુ ઊતરીને વિજાણંદને અપશુકન દે, તો હું તારે કંઠે ઘૂઘરમાળ પહેરાવીશ, તારી શીંગડીઓ સોને મઢાવીશ.]

નેસડે નેસડે જઈને વિજાણંદ ગળતી રાતનું અંતર બજાવે છે અને માનવીની આંખોમાંથી નીંદર ઉડાડી મૂકે છે. પ્રભાતે પ્રભાતે ભરદાયરામાં વિજાણંદને ભેટ આપવાની વાતો થાય છે. પણ નવચંદરી ભેંસોનું નામ પડતાં નેસવાસીઓ લાચાર બની જાય છે. ચાર ચાર પગ ધોયેલા : પૂંછડાને છેડે ધોળા વાળ : અક્કેક આંચળ ધોળો : લલાટમાં ધોળું ટીલું: મોં ધોળું : અક્કેક આંખ ધોળી : એવાં નવ નવ જૈતરંગી ચંદ્ર-ચિહ્નોવાળી ભેંસો તે નવચંદરી કહેવાય. એવી ભેંસો ક્યાંઈક મળે છે, ને ક્યાંઈક નથી મળતી. નવમાંથી એક પણ ઓછું ચાંદું તો ચાલે તેમ નથી.

વિજાણંદની ગણતરી ખોટી પડી. પાંચ-પાંચની ધારણા હતી ત્યાંથી એક-એક પણ માંડ માંડ નીકળી. મળી તેમ તેમ હાંકીને વિજાણંદ ભમવા લાગ્યો. આઘે આઘે નીકળી ગયો. કેટલો દૂર નીકળી પડ્યો છે તેનું ભાન ન રહ્યું. ખાવુંપીવું, બધું જ વિજાણંદ વીસરી ગયો છે. દિવસ ને રાત જંતર ઉપર જ ટેરવા ફરે છે, અને નવચંદરી ભેંસો એટલો જ મોંમાંથી સવાલ પડે છે. ગીર વટાવીને વિજાણંદ બરડામાં, હાલારમાં, ઝાલાવાડમાં જ્યાં જ્યાં કોઈ નવચંદરીના સમાચાર મળે ત્યાં ત્યાં રઝળે છે. દિવસ પછી દિવસ અને પછી તો પહોર પહોરની ગણતરી કરે છે. એમ કરતાં એક વરસમાં થોડા જ દિવસ ઓછ રહ્યા. વેદાએ આપેલી અવધ ચાલી આવતી હતી.

અહીં ગોરવિયાળી ગામમાં શેણીના યૌવનની કળીઓ પણ ઊઘડી. ગઈ હતી. પ્રેમનું ખેતર પાકી ગયું હતું. શેણીના તલસાટ શું બોલતાં હતાં? –

ખેતર પાક્યું કણ ઝરે, મન બેઠું માળે,
વળ્ય વેલો વિજાણંદા, (મને) રોઝડાં રંજાડે.

[હે વિજાણંદ, મારા જીવનનું ખેતર પાકી ગયું છે. યૌવનરૂપી દાણા નીચે ઝરી જાય છે. અંતઃકરણ તારી રાહ જોતું માળા પર બેઠું છે. હવે તું ઝટ પાછો વળજે, કેમ કે નાદાન ચારણ ઉમેદવારોરૂપી રોઝડાં મારા જીવન-ખેતરને