પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
116
સૌરાષ્ટ્રની સરધાર : 5
 

 રંજાડે છે. (મને પરણવા પ્રયત્ન કરી રહ્યા છે.)]

ખેતર પાક્યું પોંક થિયો, મન બેઠું માળે,
અધવચ મેલ્યાં એકલાં, હાલ્ય હૈડા હેમાળે.

[જીવનનું ખેતર પાકી ગયું છે યૌવનરૂપી પોંક (લીલા દાણા) શેકાઈને ખાવા માટે તૈયાર થઈ ગયા છે. મારું મન માળા ઉપર બેઠું બેઠું વાટ જુએ છે. વિજાણંદે તો મને અધવચ્ચે રઝળાવી. માટે હે હૃદય, ચાલો હિમાલયે ગળવા.]

વાટ જોવાનો છેલ્લો દિવસ હતો. અષાઢ બેસી ગયો. જગત પર વર્ષાનો ઉગમ થયો.

વરસ વળ્યાં વાદળ વળ્યાં. ધરતી નીલાણી,
(પણ) એક વિજાણંદને કારણે, શેણી સુકાણી.

[વરસ પાછું વળ્યું. વાદળાં પણ બરાબર બાર માસની મુદતે હાજર થઈ ગયાં. પૃથ્વી એ સહુના પુનર્મિલન થકી નીલી વનસ્પતિનાં જોબન રંગે હસી-ઉલ્લસી ઊઠી. હાય ! એ બધાં તો લીલુડાં બન્યાં, કેમ કે મિલનનું સુખ પામ્યા; સુકાઈ શોષાઈ સળગી ગઈ એક માત્ર શેણી, કારણ કે એને એકલીને જ વિયોગ રહ્યો, વહાલા વિજાણંદનો.]

તે દિવસે ગોરવિયાળી ગામને પાદરે પાણી સીંચતી પનિયારી શેણી ગામેગામ ભણીથી ચાલ્યા આવતા લાંબા લાંબા કેડા ઉપર મીટ માંડીને જોયા કરે છે કે ક્યાંય વિજાણંદ આવે ! ક્યાંય એક સો એક નવચંદરીઓનું ખાડું ગોરજના ડમ્મર ઉડાડતું આવે ! ક્યાંય જંતરના સંદેશા લઈને પવનની લહેરીઓ આવે !

જો આવે તો આજ આ કૂવાકાંઠે પેટ ભરી ભરીને પીએ એટલું પાણી પાઉં; એની એકસો ને એક નવચંદરીઓને પણ મારે હાથે બેડાં સીંચી સીંચીને પાણી ધરવ કરાવું; લાંબો પંથ કરીને આવતા પિયુડાને માથાબોળ નવરાવું; એનાં લૂગડાં આ ઓઝત નદીની ધોળી ધૂળમાં ઘસીને ઊજળાં દૂધ જેવાં કરી સુકાવું : તે દિવસે પાણી પાયું નહોતું એનો બદલો વાળી દઉં ! પણ વિજાણંદ તો દિવસ રોળ્યકોળ્ય રહ્યો છતાં આવતો નથી. પાદરથી નીકળતી ઓઝત નદીને શેણી પોકાર કરે છે કે –