પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



દેહના ચૂરા

નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં : અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ : એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ થાય છે. અને ત્યાંથી ચાલતો થઈ વચ્ચે વચ્ચે ક્યાંક ધરતીનાં પડો નીચે સમાતો, ક્યાંક થોડો બહાર દેખાતો, ને ક્યાંક આકાશની વાદળીઓ સાથે રમવા ઊંચે ઉછાળા મારતો એ ડુંગરો લોંચના ડુંગરાની નજીકમાં જઈ રસ્તાને રામ રામ કરતો, રાજુલાનો ડુંગર, સોમનાથનો ડુંગર, કાતરધાર અને ધુંવાસનો ડુંગર, એવાં એવાં નામ ધારણ કરતો ગીરની સરહદ ઉપર સાણા ડુંગરને નામે રોકાઈને ઊભો રહ્યો છે. ત્યાં આવીને ગીરની અનેક ટેકરીઓ એને વીંટળાઈ વળે છે. એ આખીય શિખરમાળાએ મોટાં ફળ-ઝાડ કે બહોળી નદીઓનાં નીર નિપજાવ્યાં નથી. માત્ર બાવળ અને કેરડાની ઝાડીમાં થોડો ગુંદર ને ગરીબોનું અથાણું જ ઉત્પન્ન કરેલ છે. છતાં એણે જોગીદાસ બહારવટિયાને ઓથ દીધી છે અને ચારણો, આહીરોની ગાયો-ભેંસોને અખૂટ ઘાસનું અક્ષયપાત્ર દીધું છે.

એ આખી ડુંગરમાળનો સાણા નામે ઓળખાતો છેલ્લો ડુંગર આશરે એંસી વીઘાની જમીન પર પલોંઠી વાળીને બેઠો છે. આખોય ડુંગર ‘પોલો’ કહેવાય છે, કેમ કે એની અંદર અનેક ભોંયરાં છે. અંધારા, સાંકડાં, હિંસક પ્રાણીઓને છુપાવવાનાં ભોંયરાં નહિ, પણ સરખેસરખા કંડારેલા ઓરડાઓ, જેમાં આજે પણ માલધારીઓ ઢોર લઈ જઈને ઉતારા કરે છે. એક પણ ગુફા અણસરખી કે અણઘડ રીતે કોરેલી નથી. તમામને કોઈ પ્રવીણ કારીગરે શોભીતા, પ્રમાણસરના ઘાટમાં ઉતારેલી દેખાય છે. ફક્ત બારણાં જ ચડાવવાં બાકી હોય એવાં સરખાં તો પથ્થરનાં બારસાખ છે. ત્રણ –

125