પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
142
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



હુઇ હાકોહાક, દળ છૂટ્યાં દેશોતનાં,
શોભે આંબા શાખ, લખિયલ વણ લેવાય નહિ.

દેવતાની બાંધેલી ઘૂમલી નગરીમાં હાકલો પડી; રાજકુળમાંથી દળકટક છૂટ્યાં; કાળવડ ગામનો કાઠી ચાડવો બાયલ ધણ વાળી જાય છે; મામા ભાણ જેઠવાએ કહ્યું કે ‘સહુ ચડજો, પણ ભાણેજ માંગડાને જગાડશો મા. એ પારકી થાપણ છે, પરોણો છે.’

પણ માંગડાનાં તકદીરમાં આંબે લટકતી એ શાખ મેળવવાનું સરજાયું નહોતું, પાટણ[૧]ના નગરશેઠની કન્યા પદ્માવતી પ્રારબ્ધમાંથી ખડવાનું માંડેલ હતું : ઊંઘમાંથી એ ઊઠ્યો. દરબારગઢ સૂનકાર દીઠો; જાણ થઈ કે મામા ફોજ લઈને ગયાઃ અરે, હાય હાય ! હું ગા’ની વારે ન ચડું ! એવી ઊંઘ !

ભલ ઘોડો વલ વંકડો, હલ બાંધવા હથિયાર,
ઝાઝી ફોજુંમાં ઝીંકવા, મરવું એક જ વાર.

[શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરે; આહા ! સાચા વીરને એક જ વાર મરવાની – મોટી ફોજમાં ઝંપલાવીને ભલી ભાંતે મરવાની – ઝંખના હોય છે.]

અસવાર પાટણની બજાર ચીરીને સોંસરવો નીકળ્યો; કેમ કે જતાં જતાં એક વાર નજરું એક કરી લેવી હતી. છેલ્લી વારના રામરામ કરવા હતા.

ઘોડો ઘોડાને ઘાટ, અસવારે ઊણો નહિ,
(એનું) ભાલું ભરે આકાશ; મીટે ભાળ્યો માંગડો.

ઝરૂખામાં બેઠેલી નગરશેઠની દીકરીએ પોતાના પ્રીતમ માંગડાને દીઠો : ઘાટીલો ઘોડો, એવો જ લાયક અસવાર, આસમાનને માપતો ઊંચો ભાલો; એવા મનના માનેલા ક્ષત્રી કંથને વાણિયાની દીકરીએ દીઠો અને ચારેય નજરુંના તાર સંધાયા.


  1. તે સમયમાં પાટણો ઘણાં હતાં. એટલે ઘૂમલી નજીકનું કોઈ શહેર પાટણ નામથી ઓળખાતું હશે.