પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
144
સૌરાષ્ટ્રની સરધાર : 5
 



વળી છે પાછી વાર, ભૂંડે મોટે ભાણની,
(પણ) એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

[પદ્માવતી ઝરૂખે બેસીને વાટ જોતી હતી. એણે જોયું કે ઝાંખાં મોં લઈને ભાણ જેઠવાની ફોજ પાછી ચાલી આવે છે, પણ એકલવાયો ગયેલો અસવાર માંગડો કાં ન દેખાય ?]

પાઘડિયું પચાસ, આંટાળિયું એકેય નહિ,
ઈ ઘોડો ને અસવાર, મીટે ન ભાળું માંગડો.

[આ પચાસ-પચાસ પાઘડીઓવાળા દેખાય છે. પણ રૂડી આંટીઓ પાડીને બાંધેલ પાઘડીવાળો મારો પ્રીતમ માંગડો નથી. એ ઘોડો ને એ અસવાર નથી દેખાતા. હોય તો સહુથી નોખો તરી રહે ને !]

કોણ જાણે, કદાચ પાછળ રહ્યો હશે – મારી પાસે આવવા માટે જાણી જોઈને પાછળ રહી ગયો હશે. કૉલ દઈને ગયા પછી પરબારો તે કેમ ચાલ્યો જાય ?]

ત્યાં તો –

""

ઘોડો આવે ઘૂમતો, માથે સોનરી સાજ
એકલડો અસવાર, મીટે ન ભાળું માંગડો.

[સોનેરી સાજ થકી શોભતો એકલો ઘોડો ઘૂમતો ઘૂમતો ચાલ્યો આવે છે. એની પીઠ ઉપર એ એકલડો અસવાર ન દીઠો. જરૂર મારો માંગડો રણમાં ઠામ રિયો !]

અસવારોએ અટારી સામે આવીને સંદેશો કહ્યો :

પદમાનો પ્રીતાળ, હીરણની હદમાં રિયો,
ઝાઝા દેજો જુવાર, મરતાં બોલ્યો માંગડો.

[હે સતી પદ્માવતી, તારો પ્રીતમ તો હીરણ નદીને કાંઠે રહ્યો, અને એણે મરતી વેળા કહ્યું કે પદ્માને મારા ઝાઝા કરીને જુહાર દેજો !]

વડલે વીંટો દેત, સોનેરી સિરપાવનો,
(ત્યાં) બાયલ બીજે દેશ, માર્યો જેઠાણી માંગડો.