પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુહિણી-મેહાર
167
 


તરફડિયાં મારતાં હાથમાં માટી ન રહી. એને તરતાં આવડતું હતું, પણ મેહારને ટગવવાની મોજમાં ને મોજમાં પોતે એટલી ધીરી ધીરી જતી હતી કે સામો કિનારો બહુ છેટે રહી ગયો છે. પોતે થાકી ગઈ ! એને તો અજાયબી જ થાય છે કે અરેરે ! આ ઘડામાં શું જાદું થયું !

હજારનમેં હિકડો, મેં ચિતામય ચઈ,
વહમેં વલી દાવદ ચેય, પિયુ થ્યો સે પઈ,
સુપક્ક ક્યો મેં સઈ, કજા તે કચો કિયો?

હજારો પકવેલા વાસણોમાંથી આ એક મજબૂત ઘડાને વીણી કાઢીને એના ઉપર મેં ઝીણું ચિતરામણ કરાવ્યું હતું એવો ઘડો, [ કવિ વલી દાઉદ કહે છે કે] આજ શી રીતે પાણીના પૂરમાં પડીને ટુકડા થઈ ગયો? મેં જેને પાકો કહ્યો હતો તેને શું મારા કૂડા કિસ્મતે જ કાચો બનાવી નાખ્યો?

આ આ શું થઈ ગયું? કંઈ મહિનાઓ થયાં મજબૂત રહેલો ઘડો કેમ પીગળી ગયો?

ઘડો બદલાયો હતો. સુહિણીનાં માવતરે જ એ કુળબોળામણ દીકરીને ડુબાડી દેવા માટે અસલ ઘડાને ઠેકાણે એવા જ ચિતરામણવાળો તદ્દન કાચો ઘડો ગોઠવી રાખેલો હતો. અજાણ સુહિણી તો પ્યારની આંધળી ઉતાવળમાં, દુનિયાની કપટબાજીની કંઈ ગમ વિના રોજની માફક રોજને ઠેકાણેથી ઘડો ઉપાડીને પાણીમાં કૂદી પડી હતી.

નિરાધાર સુંદરી પાણીમાં માર્ગ કાપવા માટે મથે છે. પણ એના બાવડામાં બળ રહ્યું નથી. અંધારી રાતમાં સામે પાર કંઈ દેખાતું નથી કે નથી સામા પારથી કોઈ સુહિણીને નિહાળી શકે તેવું. ફક્ત એ કિનારે પશુઓ ચરે છે. તેમના ગળાની ટોકરીના રણકાર સંભળાય છે. અને બીજી સંભળાય છે મેહારની મીઠી વાંસળી.

કિયે ઘંટ વજન? કિયે પીરિયું પાર?
વીર વજાયતો વાંસલી, સાહડ સજી રાત,
કલમેંજી તવાર, લોરી સમેં લંઘવું.

ઓ ! આ ટોકરીના રણકાર ક્યાં બજે છે ! મારા પ્યારાજીનો કિનારો કેટલે દૂર પડી રહ્યો ! મારો બહાદુર સાહડ ગોવાળ [મેહાર] આજ આખી