પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મલુવા
175
 

 [હાય રે ! હું જો બાજપંખી સ૨જી હોત, તો હું તેની સાથે જ રહી શકત. એની સાથે જ વનેવન હું ફરી શકત.]

આસમાને થાકિયા દેઉવા, ડાકછો તુમિ કારે,
ઐના આષાઢેર પાનિ, બઈ છે શત ધારે.

[આકાશમાં ઊભીને હે મેહુલા ! તું કોને બોલાવે છે ? આષાઢીલા મેઘ શતધારે વરસી રહ્યા છે.]

ગાઁ ભાસે નદી ભાસે, શુકનાય ના ધરે પાનિ,
એમુન રાતે કોથાય ગેલો, કિછુઈ નાઇ જાનિ.

[ગામ અને નદી જળબંબોળ છે. પાણી ક્યાંય સમાતાં નથી. આવી રાતે પરદેશી ક્યાં ગયો હશે ?]

સવાર પડી ગયું, બપોર ગયા ને સાંજ પડી. ગાગર લઈને કન્યાએ તળાવનો માર્ગ લીધો.

કિનારે ચાંદ સૂતો છે. ઓશીકે પાંજરું પડ્યું છે. ગઈ કાલની પનિહારીને દેખતાં જ પીંજરામાંથી બાજ પંખી પુકારવા લાગ્યું. ચાંદે જાગીને આંખો ઉઘાડી.

તે દિવસ બેઉ જણાંએ સામસામી ઓળખાણ દીધી. મલુવા બોલી :

આઁધુયા પુષ્કનિર પાડે, કાલો નાગેર બાશા;
એક બાર ડંશિલે જાઈ બે પરાણેર આશા.

[હે પરદેશી ! આ અંધારી તળાવડીને પડખે કાળા નાગના વસવાટ છે. એક વાર ડંખ થતાં જ જીવ નીકળી જાય છે.]

માટે મારે ઘેર ચાલ. જો, આ સામે જ માર્ગ ચાલ્યો જાય છે. ઉગમણી બાજુ રૂડા અરીસા સરખું ચળકતું મારું ઘર આવશે.

હીરાધરને ઘેર ચાંદ આવતો-જતો થયો. ઓળખાણ વધી. એક દિવસ ચાંદે વેવિશાળનું માગું મોકલ્યું. કન્યાનો બાપ બોલ્યો કે બધી વાત તો ઠીક ઠેકાણું, પણ જેના ઘરમાં એક ટંકનું ખાવાનું ન મળે તેને મારી દીકરી શી રીતે દઉં ?