પૃષ્ઠ:Rasdhar5.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બહારવટિયો
25
 

 સાંભળીને બહારવટિયાની આંખ પલળતી દેખાઈ. બહારવટિયા કાંઈ બોલી ન શક્યા. ત્યાં તો ક - ડ - ડ - ડ ડુંગરો કડેડ્યો, અને રાવે કહ્યું : “કલ્યાણસંગ ! ભાઈ ! તું ભાગી જા. હમણાં વીજળી પડશે.”

“ભાગી જાવું હોત તો તો આવત જ શા માટે ? અને તને બહુ વહાલા હતા તે તો ભાગી ગયા ! એની ભંભેરણીથી તો તેં અમારો રોટલો ઝૂંટવ્યો છે !”

ક-ડ-ડ-ડ ! બીજી વાર મૉતનો સાદ પડ્યો, અને મોટેરા બહારવટિયાએ કલ્યાણસંગ રાવનો હાથ ઝાલ્યો : “ઊઠ, ભાગી જા ! બહાર નીકળી જા !”

“અને તું?” રાવે પૂછ્યું

“હું તારો નામેરી છું. ઊઠ, બ્રાહ્મણની વાણી ભલે સાચી પડે. હું ખાઈ-પી ઊતર્યો છું. તું લાખોનો પાલણહાર –"

“હું ઊઠીને તને મારી ઘાત ઝીલવા દઉં ? રામ રામ રામ...” ત્યાં તો કડડડ ! ત્રીજો કડાકો થયો... આભ તૂટી પડ્યું. ડુંગરો હલમલ્યો.... ઉપરથી શિખર ચિરાણું... બાર સૂરજ ભેળા ઊગ્યા હોય તેવો ઉજાસ થયો... અને એક પળમાં તો બહારવટિયા કલ્યાણસંગે રાવનું બાવડું ઝાલી ઘા કર્યો. રાવ આઘેના ખૂણામાં જઈ પડ્યો, અને ઉપરથી વીજળી પડી. બહારવટિયાના એ લંબાવેલા હાથને ખોટો પાડી, પાછી છલંગ મારી, ગુફાના જાણે ચૂરા કરી નાખશે તેવી કિકિયારી કરતી, તાંડવ રમતી ઈંદ્ર મહારાજની સળગતી સમશેર ગગનમંડળમાં પાછી ચાલી ગઈ.

પલકમાં તો તોફાન સંકેલાઈ ગયું. જાણે સ્વપ્નું આવીને ઊડી ગયું. બ્રાહ્મણના અક્ષર સાચા પડ્યા : 'કલ્યાણ' નામના બે માણસોમાંથી એક ઉપર વીજળી ત્રાટકી અને બરાબર વખતસર રાજા કલ્યાણમલની ઘાત લીધી.

“ભાઈ... મારો ભાઈ...!” એમ બોલતો રાવ આવીને બહારવટિયાના પગમાં પડી ગયો.

ગદ્‌ગદ્‌ કંઠે કોઈથી કાંઈ બોલાયું નહિ.

[એ બ્રાહ્મણનાં સંતાનો તામ્રપત્ર પ્રમાણેની જમીન ખાતાં હતાં એવું કહેવાય છે. બહારવટિયાનું બહારવટું પાર પાડી ટીંટોઈ પરગણું પાછું સોંપ્યું કહેવાય છે.]