પૃષ્ઠ:Rasdhar5.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હીપો ખુમાણ
૩૩
 

કાઢીને જોગાણના પાવરા ચડાવો; ઊનાં પાણી મેલીને બેય ઘોડિયુંના પગ ઝારો; અને જોજો હો, ભાઈ, પડખે બીજું કોઈ ટારડું બાંધ્યું ન હોય, નીકર આપાની ઘોડીને ચાંચડ બગાં ચોટી પડશે!”

આ રીતે જીવા ખાચરનાં વેણની દોઢ્ય વળતી જાય છે અને આખા દાયરાના મોં ઉપર ઠાવકું સ્મિત ફરકે છે. પણ આ વૃદ્ધ મહેમાન કે જેનું નામ રાવત ખુમાણ હતું, એ પોતાના યજમાનનાં મર્મ વાક્યોને સમજી શક્યો નહિ. એણે તો ખરખરો કર્યો : “આઈને તો સુવાણ થઈ નહિ, આપા !”

“લેણાદેણીની વાત છે, આપા રાવત !”

“પાંચ વરસ બેઠાં હોત તો તમારે ઓથ હતી.”

“હા જ તો ! ભાઈ, સો વરસે દુકાળ પડે તોય વસમો તો લાગે જ છે ને, બા !”

રાતે સહુએ વાળુપાણી કર્યા. કારજે આવનાર કાઠીઓએ જીવા ખાચરને પાવલી પાવલી આપીને વહેવાર કર્યો, અને બીજે દિવસે સવારે તો કસુંબા પાણી લઈને મહેમાનો વીખરાઈ ગયા. રાવત ખુમાણ અને એનો દીકરો હીપો ખુમાણ પણ પોતાની ઘોડીઓની પીઠ પર શોભતા નાના રાજકોટને માર્ગે ચાલી નીકળ્યા. પણ ગામની બજારે થઈને જ્યારે એ બેય ઘોડીઓ ડાબા નાખતી નાખતી રેવાળ ચાલે ચાલી ગઈ, ત્યારે માણસો મોંમાં આંગળી નાખીને વાતો કરવા લાગ્યા : “ભાઈ, ઘોડાને મરતલોકના વિમાન કહ્યાં છે, તે આનું નામ !”

“બાપ, ઈ તો જેના ધણીએ આંગળિયું કરડાવીને ઉઝેર્યાં હોય, ને અંજળિમાં પાણી પાયાં હોય એનાં જ ઘોડાં એવાં નીવડે.”

સાંભળી સાંભળીને જીવા ખાચરના કોઠામાં ઝાળ ઊપડી.

“એલા, સાલેભાઈ !” પોતાને ઘેર જતનો છોકરો ઉછેરીને મોટો કરેલો, તેને જીવા ખાચરે બોલાવ્યો.

“શું કહ્યું, બાપુ ?” સાલેભાઈ આવીને ઊભો રહ્યો.