દીઠી. જ્યાં જુઓ ત્યાં બબ્બે ને ત્રણ-ત્રણ માથોડાં ઊંચી ભેખડો ! ઊતરવાનો ક્યાંયે આરો ન મળે. પણ રસ્તો શોધવાનો સમય ક્યાં હતો ? વાંસે મૉત વહ્યું આવતું હતું !
ખબોખબ ! બેય ઘોડીઓ કૂદીને નદીના પટમાં પડી. પાછળ વારના અસવારો પણ ખાબક્યા. સૂરગે સામી ભેખડે જઈને ઘોડી ચડાવી. એની ઘોડી તો ભાથામાંથી તીર જાય તેમ ભેખડ ઉપર ચારેય પગે પહોંચી ગઈ. પણ હીપાની ઘોડીના બે ડાબલા કાંઠા ઉપર મંડાતાં જ ભેખડ ફસકી. હીપો પડ્યો. હીપા ઉપર ઘોડી પડી અને ઘોડી ઉપર ભેખડનું મોટું ગાદળું પડ્યું : કચરાઈને હીપાએ ત્યાં ને ત્યાં પ્રાણ છોડ્યા.[૧]
અસવારો એની લાશને ઉપાડીને પાલીતાણે લઈ ગયા. ઠાકોર પ્રતાપસંગજીને હીપાના મૃત્યુની ખબર પડતાં પોતે બહુ કલ્પાંત કર્યું : "અરે જમાદાર ! મેં બહારવટિયાઓને જીવતા ઝાલવાનું કહ્યું’તું ને તમે બેય વાર બાપ-દીકરાને ઠાર માર્યા ?”
“અન્નદાતા ! અમારો દોષ નથી. અમે જીવ નથી લીધો. બેય પોતાના મોતે મર્યાં છે.”
હીપા ખુમાણનું કારજ બે ઠેકાણે થયું : એક નાનું રાજકોટ : બીજું પાલીતાણામાં રાજ્યને ખરચે.
હીપાની હાકલમાં, ખંભાતી ખખડી જાય,
તારું જે રાવતણા, વહરુ વેર કે’વાય.
[હીપો ખુમાણ એક હાકલ કરે ત્યાં તો શત્રુઓના ઘરના પટારાનાં ખંભાતી તાળાં ખખડી જાય. હે રાવત ખુમાણના પુત્ર, તારું વેર તો વિકરાળ હતું.]
🐦🙕❀🐦🙕❀🐦
- ↑ 1. બીલા ખૂંટવાડાની સીમમાં વાળાકી ડુંગર છે એનું નામ હીપાનો ડુંગર : એ ડુંગર ઉપર હીપા ખુમાણની દેરી છે.