પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘરમાં દાખલ થયો. દરબાર ખુલ્લી તલવાર અંધારપછેડામાં છુપાવીને ખડકી પાસે ઊભા રહ્યા.

વીતી ગયેલા દિવસોના એના એ શણગાર સજીને રજપૂતાણી બેઠી છે. અતિથિ આવ્યા; પલંગ પર બેસાડ્યા; પછી પોતે પેલા સર્પને મારી નાખ્યાની વાત કહી સંભળાવી.

"જે થયું તે." વજે જવાબ દીધો. એના હૈયામાંથી નિસાસો નીકળી ગયો.

"હવે આજ તો જમાડ્યા વિના ન જવા દઉં."

"શું બોલે છે ? જો તો ખરી, તારો ધણી આ ઓરડામાં સૂતો સૂતો સાંભળે છે."

"એ મારો ધણી ?" એમ બોલતી રજપૂતાણી ઓરડામાં ગઈ. ખીંટી પર તલવાર લટકતી હતી તે ખેંચી સૂતેલા એ કોઢિયા ધણીને એક ઝાટકા ભેગો તો પૂરો કરી નાખ્યો. લોહીમાં તરબોળ એ તલવાર લઈને લોહી નીતરતે હાથે પ્રચંડ ભૈરવી સમી એ આવીને બોલી : "બસ, હવે કાંઈ ભય છે ?"

વજો થરથરી ઊઠ્યો. એ સમજી ગયો કે હું જો આનાકાની કરીશ, તો મારા પણ એ જ હાલ બનવાના અને ચીસ પાડીને એ મારી આબરૂ હણવાની. એણે કહ્યું : "સારું, પણ તારે અંગે ખૂબ લોહી ઊડ્યું છે, નાહી લે. પછી આપણે થાળ જમીએ." રજપૂતાણી નાહવા બેઠી; એ લાગ જોઇને વજો ભાગ્યો. બાઈએ એને ભાગતો જોયો. "વિશ્વાસઘાત કે ?" એમ બોલીને દોડી. પણ ચોર તો ડેલીની બહાર નીકળી પડ્યો. દરમ્યાન તો બાઈએ મોટો શોરબકોર મચાવી મૂક્યો : "મારા ધણીને મારી નાખ્યો, મારી નાખ્યો; દોડો, દોડો."

રણાઓ ચોમેરથી દોડ્યા આવ્યા. બાઈએ પોતાના ધણીના કટકા બતાવીને કહ્યું : "વજો મારી લાજ લૂંટવા આવેલો. એણે મારા ધણીને ગૂડ્યો. મેં ચીસ પાડી એટલે એ ભાગ્યો. જુઓ, આ પડી એની મોજડી." સાચોસાચ વજો ઉતાવળમાં ઉઘાડે પગે જ છૂટી નીકળ્યો હતો.

રણાઓએ રડારોળ કરી મૂકી. 'બાપુ' ની પાસે રાવ પહોંચાડી. બાપુએ