પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નીકળ્યો. યુદ્ધનાં નગારાં ગડગડ્યાં. મૂછોને વળ દઈને એ મારુ (મારવાડનો વંશજ) રાજા બોલી ઊઠ્યો કે “મારી સામે – મારવાડના નાથની સામે – ટકે એવો બળવંત કોણ છે? એક નહિ, પણ એવા સાત પાદશાહોની લાજ હું લોપી નાખું. હું મરદ છું. દુશ્મનોને લડતા હું દૂરથી જોઈ રહું તો મારા પૂર્વજ શાલિવાહનની કીર્તિ ઝાંખી પડે. મારા કુળમાં તો અભેમન્યુ જેવો વીર તરવાર પકડીને લડ્યો હતો, આખરે ચકરાવે ચડ્યો હતો.

સૂરા બરદ યહ સંભાળ, તરકસ ભીડિયાં તતકાળ,
વંકો રાણસુત દૈવાણ, પલ્લા ઝટક ઊઠ્યો પાણ.
લશ્કર સુબલ કરી લલકાર, તલસજ તોપખાના ત્યાર,
રાજા ખેધ મંડ્યે રાડ્ય, પે’લે મોરચે ગજ પાડ્ય.
સૂરા વઢણ ચડિયા સોય, હર હર કર્યે ભેળા હોય,
ખેલ ખાગધારા ખેલ, ઠેલે અસુર દળ આઠેલ,
ભાલાં ઝીંક લાગી ભાય, તોપાં જવન લાગી ત્રાય.

એવા એવા શૂરવીર પૂર્વજોનાં બિરદો સંભારીને પોતે ભાલો બાંધી સજ્જ થયો. બળવાન સૈન્ય લલકાર કરવા લાગ્યું. તોપખાનું તૈયાર બની ગયું. રાજા તો દુશ્મનોની પહેલી હારમાંથી જ હાથીને ધરતી પર ઢાળવા લાગ્યો. જુદ્ધે ચડેલા શૂરવીરો ‘હર હર મહાદેવ' કરીને એકઠા મળ્યા, તરવાર રમત રમવા લાગી. યવનોનાં દળ હઠવા લાગ્યાં. ભાલાનો ધસારો શત્રુઓથી ન ઝિલાયો.

સિંધર પાડ હોદા સોત, મીટે શાહ દીઠા મોત,
પાડે ઈરાની પાઠાણ, ખાલી પાલખી ખુરસાણ;
દૈતાં દેત કર્યું મૃતદાન, મેપત મોખડો હનુમાન,
ઢૂંઢે ઢૂંઢ દીધાં ઢાળ, ખળકે રગત વહતી ખાળ.
ગ્રીધણ અમખચરતી ગૂડ, ભરતી ભવાની ભેકુંડ,
સમહર દેખ થંભ્યો સૂર, હરખે ઝૂલ વરવા હૂર.

હાથીઓ અંબાડીની સાથે જ નીચે પડવા લાગ્યા. પાદશાહે તો પલકમાં મોત સામે ઊભેલું જોયું. ઈરાનીઓ ને પઠાણો પડવા લાગ્યા, ખોરાસાની લોકો પાલખીમાંથી જમીનદોસ્ત બન્યા. હનુમાનજી જેવો