પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મોખડોજી જાણે દૈત્યોને આજે મૃતદેહોનાં દાન દઈ રહ્યો છે. શબના મોટા મોટા ગંજ ખડકાયા. રક્તની ખળખળ નીકો ચાલી. ગીધડાં માંસ ખાવા માંડ્યાં; જોગણીઓ ખપ્પર ભરવા લાગી, યુદ્ધ દેખીને દેવો થંભ્યા; અપ્સરાઓ મરેલા વીરોને વરવા આકાશમાં ઝૂલવા મંડી.

હમલા વીર બાજે હાક, ડમરુ શિવ શક્તિ ડાક,
દેવા દાણવા જેમ દોય, લાગો મામલો વડલોય.
વેઢક વજાડી અણવાર, ત્રીજા પોર લગ તરવાર,
ચોરંગ ઉડ બાટાઝૂટ, તેગાંઝાળ બંગળ ત્રુટ,
સિંધુ રાગ બાગા સૂર, પળચર અમખચર ભ્રખપુર,
ઝૂઝે મોખડો રણજંગ, અશમર ઊડિયો ઉતબંગ.

વીરોની હાકલો વાગે છે, શંકર ડમરુ વગાડે છે, અને શક્તિઓ ડાકલાં બજાવી રહી છે. જાણે કે દેવો અને દાનવોનું યુદ્ધ થતું હોય ને! સામસામી તરવારો અથડાય છે, અને ભાલાં તેમજ બંદૂકોના ઘા પડી રહ્યા છે. સિંધુડા રાગ વાગ્યા, માંસભક્ષી પક્ષીઓ મુડદાંના ભક્ષથી તૃપ્ત બની ગયાં છે. મોખડો ઝૂઝે છે; તેમાં એનું માથું તરવારના ઘાથી ઊડી પડ્યું.

રાજા શીશ પડિયો રાન, મારુ ધડ લાગ્યો અસમાન,
શતવ્રત ભીષમરાં સરખોજ, ફારક કરે આધી ફોજ.
શર બિન બાહતો સમશેર, જવના દીધ દંતા જેર,
પેરંભનાથકો થર પગ્ગ, લડિયો સાત કોશાં લગ્ગ.
લશ્કર સરવ મરતે લાગ, તરકે નાખ્ય ગળિયલ ત્રાગ,
ધડ તો ધરણ ઢળિયો ધીંગ, સેજકહરો ભડ તરસીંગ.
માથો પડો ઘોઘા માંય, ધડ ગ્યો ખદડપર લગ ધાય,
સુતો પિંડ મેલ્યે સૂર, નરજણ નૂર ભળિયો નૂર.
નિરમળ ચાડ્ય પરિયાં નીર, ધન ધન સરઠકે રણધીર,
તું નરલોક ધન અવતાર, ધન ધન સુર-લોક સુધાર.

[૧] રાજાનું એ માથું રણમાં પડ્યું, પણ ધડ ઝૂઝવા લાગ્યું. માથા વિના


  1. આ યુદ્ધ-વર્ણનનો છંદ ભાવનગરના રાજકવિ શ્રી પિંગળશીભાઈના પિતા પાતાભાઈનો રચેલો છે. તે ચારણી કાવ્યરચનાના નમૂના તરીકે ‘જશો વિલાસ’માંથી આંહીં મૂકેલ છે.