પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરાઓની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ‘ભીમની ખોપ’ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં, પથ્થરોમાંથી જ કંડારી લીધેલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલમિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતાં બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં ચોવીસ ગામ હતાં.

એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બહારવટે નીકળેલ ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એણે ભીમોરે સંદેશો મોકલ્યો :"અમારો ચોર કાઢી દ્યો."

નાજા ખાચરે જવાબ કહેરાવ્યો :"ટાઢાણે તો મારો શરણાગત ઠર્યો. હવે એને ન સોંપું, એને મેં અભયવચન દીધું છે."

ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હીંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા મંડી. ભીમોરું દોહ્યલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણી કૂચ કરી.

ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરનાં રણવાજાં વાગ્યાં. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપબંદૂકોથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને વીંટીને ઘેરો પડ્યો છે.

"નાજાભાઈ !" માણસોએ કહ્યું : "આ દળકટકની સામે ટકાશે નહિ, માટે નાઠાબારીએથી નીકળી જાયેં."

નાજા ખાચરે ડોકું ધુણાવ્યું : "ના બાપ ! જેને જીવ વાલો હોંય એ