પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુખેથી નીકળી જાવ, મારે તો બે ભવ જીવવું નથી. મારી સાત પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો !"

ત્રંબાળુ ચેલા તણાં, વાગ્યાં કોઈ વહળોય.
(પણ) ગરુ ગડક્યા નોય, નાઠાબારી નાજિયા !

ચેલા ખાચરના ત્રંબાળુ ઢોલ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા. પણ કાંઈ ‘ચેલા’ની બીકથી ગુરુ (નાજો) નાઠાબારીમાં થઈને નાસે કદી ?

આઠ જ જણાને લઈને નાજો ખાચર ભીમોરે બેઠો રહ્યો અને નીચે બેઠી મરાઠી સેના. સેનાને ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી. પડખે ઊંડા કોતરાં હતાં. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી, અને ગઢમાં ઝાઝાં માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ ?

આઠ મહિનાની આશ, મે ગાજે ને શાદૂળો મરે,
નો સાંખે નિજ વાસ, નાળ્યુંના ધુબાકા નાજિયો.

શાદૂળો નામનો સિંહ ફક્ત આઠ જ મહિના - શિયાળો અને ઉનાળો જ - જીવે, અને ચોમાસામાં વરસાદની ગર્જના થતાં તો એના મનમાં થાય કે કોઈ બીજો સિંહ ક્યાંઈક છુપાઈને ડણકે છે. એટલે શાદૂળો એ સિંહને શોધતો, વરસાદની અદ્શ્ય ગર્જના ન સાંખી શકવાથી માથાં પછાડીને પ્રાણ કાઢી નાખે. તેવી જ રીતે નાજા ખાચર જેવો સિંહ પોતાને આંગણે તોપોનો અવાજ શી રીતે સહન કરી શકે ? મરું કે જીવું એ જ એના મનમાં થાય.

કિલ્લાની અંદર કેવી દુર્દશા મંડાણી ? માત્ર આઠ જ માણસો હતાં અને પાણી ખૂટવા લાગ્યું હતું, નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કૂવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કૂવા ઉપર તો સેના પડી હતી.

આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી. પોતાનાં બાળબચ્ચાંને ગુપ્ત માર્ગેથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના આઠે જણા તરફડતા હતા. એક ટીપુંયે ન રહ્યું.

પણ ટાઢાણો કાઠી આ કિલ્લામાં જ હતો. એનાથી તરસ ન સહેવાણી.