પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રાતમાં ઊઠીને એ નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો.

તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો. દડતો દડતો એ તળેટીમાં બાબારાવની ફોજ વચ્ચે પહોંચ્યો. એને ચેલા ખાચરની પાસે લઈ ગયા. એણે મોં પાસે ખોબો ધરીને ઇશારતમાં સમજાવ્યું. એને પાણી પાવમાં આવ્યું.

ચેલા ખાચરે પૂછ્યું : "ગઢમાં કેટલાં માણસો છે !"

ટાઢાણે જવાબ આપ્યો : "ફક્ત આઠ જણા."

તરત જ ફોજનો હુકમ મળ્યો : "હવે ફિકર નહિ. ગઢમાં નથી દારૂગોળો કે નથી માણસો. કરો હલ્લો !"

અને હલ્લો મંડાણો.

થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં બે મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બન્ને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બન્ને જણાને કહ્યું : "ભાઈઓ, હવે તમે નીકળી જાઓ. નહિ તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે."

મારવાડીઓએ જવાબ દીધો : "નાજા ખાચર ! અમે તમારો રોટલો ખાધો. હવે અમારાથી કેમ જવાય ! દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચશું અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે ! એને બદલે આંહી જુદ્ધમાં ક્ષત્રીને બે ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગાપરને માર્ગે તમારા જેવા શૂરવીરોના સાથ ફરી ક્યાંથી મળે ? માટે અમારે તો હવે ‘અઠે જ દ્વારકા’." (ત્યારથી આપણા પ્રાંતમાં ‘અઠે દ્વારકા’નું ઓઠું પ્રચલિત થયું.)

"ભાઈઓ !" નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી : "હવે આપણી ઘોડિયુંને ગૂડી નાખો."

એટલું બોલતાં એની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ આવ્યાં. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજો ખાચર ફરી વાર બોલ્યા : "હા બાપ ! ઘોડિયું તો મને મા-દીકરિયું જેવી વા’લી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણાં ધીંગાણાંમાં રમાડ્યો છે. પણ શું કરું ? મારી ઘોડિયું દુશ્મનને હાથ કેમ પડવા દઉં ?"