પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આઠેવ ઘોડીઓને હાજર કરી. તલવારને એકેક ઝાટકે એનાં રૂપાળાં દેવાંગી ડોકાં પડવા માંડ્યાં. ઘોડીઓ પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી બે ઘોડીઓ હણહણી.

"બસ બાપ !" નાજા ખાચરે હાકલ કરી : "એ બેને મારશો નહિ. એને મરવું વસમું લાગે છે. છોડી મેલો ! ભલે ચાલી જાય."

બેય ઘોડીઓને મોકળી મેલી દીધી.

સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા, બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. આઠ જણા ક્યાં સુધી ટકે ? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્ય; એણે ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એના ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અર્ધી ભાંગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુને ઝાઝી વાર નહોતી.

ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠાએ નાજા ખાચરના પગમાં સોનાનુંસાંકળું જોયું. સામે સોનાની મૂઠવાળે તલવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની બે ચીજો લઈ જઈ પોતાની શાબાશે કહેરાવવી હશે ! એ નીચે બેસીને નાજા ખાચરના પગના સાંકળાની ખીલી ખોલવા લાગ્યો.

લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું : ‘હાય ! હાય ! હજી હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે ?’

પણ એની ગરદન ઉપર માથું ડગમગતું હતું. એનાથી ઊભા થવાય એમ નહોતું. અર્ધી તૂટેલી તલવાર એ આઘે બેથેલા દુશ્મનને પહોંચી શકે તેમ નહોતી.

એણે શું કર્યું ?

ઉતબંગ ટેકણ એક, બીજે હાથ વાઈ બજડ,
(આમાં) વખાણવો વષેક, નેક ભજ કિયો નાજિયા ?

એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું, અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચર ! આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી ?