પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરંતુ તલવાર શી રીતે મારી ?

રીંખેને સર સ્પીઅર તણે, કોઈ વાઈ કરમાળ,
(ઇ) બાળાપણ બરદાળ, કીં સંભારિયું સૂરાઉત ?

બાળકની માફક તું ગોઠણભર થયો, અને પછી રિપુના માથી ઉપર તેં તલવારનો ઘા કર્યો. હે બિરદવાળા પુરુષ ! એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું ? કારણે કે ભાંખોડિયાભર તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલ હતો.

ઈંદર અપસર નજરાજ, જોગણ ધર ગરજણ જંબુક,
લોહ જીવત મૃત લાજ, તેં સાચવિયાં સૂરાઉત.

તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇંદ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપસ્રા વરમાળ લઈને પહેરાવવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર લઈને ભરવા આતુર ખડી હતી. પૃથ્વી (ધર) પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડાં અને શિયાળવાં તારું માંસ ભક્ષવા આવી પહોંચેલાં. લોઢાની તલવારને પણ તેં હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ‘ખડું રહે !’ મોતને પણ ફરમાવ્યું કે ‘થોડી વાર થોભી જા.’ પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાંને ઘડીભર અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો.

એ ભાંગેલી તલવારને એક ઝાટકે શત્રુના પ્રાણ નીકળી ગયા. પણ ત્યાં તો દુશ્મનોએ આવીને નાજા ખાચરને ઘેરી લીધો.

ઉતબંગ ખગ થાતે અળગ, ધડ લાગ્યું ધાગે,
ખેલ્યો રણખાગે, તું નવતેરી નાજિયા.

હે નાજા ખાચર ! પછી તો તારું માથું (ઉતબંગ) પડી ગયું, અને તારા હાથની તલવાર (ખગ) પણ પડી ગઈ, એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી, શય્તુઓને હાથમાં ઉપાડી-ઉપાડીને પટકવા લાગ્યું. રણસંગ્રામની અંદર તું પણ ભીમની માફક નવતેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે નવ અને બીજા હાથે તેર હાથી ઉપાડીને આકાશમાં ઊછાળ્યા હતા. આંહી નાજા ખાચરે માણસોને ફંગોળી પછાડ્યા.