પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નાજા જ્યું મરાય ના, સાબધ હરમક સોત,
મોડું ને વેલું મોત, સૌને માથે સૂરાઉત.

જો કે વહેલુંમોડું તો સહુને મરવાનું છે. પરંતુ હે સૂરા ખાચરના પુત્ર નાજા ખાચર ! તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું તો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તેં તારી કીર્તિ સંભાળી રાખી.

ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો. પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે.

આ આખા પ્રસંગને લગતું નીચે લખેલું એક ચારણી કાવ્ય છે :

[ગીત: શાણોર સાવઝડું]

સૂબા ટોપી આંરી ફરિયાદ સતારે, ફોજ નમ્યા ખંડ ચારે ફતારે,

મીટે ચડ્યો ગનીમાને મારે, સૂરાણી નજરાજ ન સારે.

જે ફતેસિંહરાવની ફોજ પાસે ચાર ખંડના લોકો નમ્યા હતા, તેના ટોપીવાળા સૂબા પાસે ફરિયાદ કરવા ચેલો ખાચર પહોંચ્યો. ફરિયાદ કરી કે સૂરા ખાચરનો દીકરો નાજો ખાચર કોઈનું કહ્યું માનતો નથી. મોટા મોટા હાકેમોને પણ નજરે પડતાં જ મારી નાખે છે. (મરાઠી સેનાને ‘ટોપીઓ’ કહી કારણ કે તે વખતે મરાઠાઓનાં લશ્કરોમાં યુરોપી સોલ્જરો, કવાયતદારો રાખવામાં આવતા. ગનીમા=સૂબા).

ધણી હકમ દીઆ દળ ધાયા, આગુ ધાઈ મદાઈ આયા,

વાગી હાક ત્રંબાળુ વાયા, જધભૂખ્યા નજરાજ જગાયા.

આ ફરિયાદ સાંભળીને સૈન્યના માલિકે હુકમ દીધો, એટલે દુશ્મનો ધસીને ભીમોરા ઉપર આવ્યા. હાકલો વાગી, નોબતો ગડગડી. લડાઈનો ભૂખ્યો નાજો ખાચર જાગી ઊઠ્યો. (મદાઈ=દુશ્મન)

તરવારાંરી વાજે તાળી, વાઢી ઘણા મરેઠા વાળી,

ખસ્યા મરાઠા હાંજા ખાળી, વજા બણી રણથંભરવાળી.

તલવારો સામસામી અથડાવા લાગી, કેમ જાણે તલવારો સામસામી તાળેઓ દેતી રમત રમતી હોય ! મરાઠીની સેનામાં ઘણાં માણસો કપાયાં. મરાઠાઓ હિંમત હારી ગયા. રણથંભોરના ઘેરામાં જેમ બાદશાહનું સૈન્ય લાચાર થઈ પડ્યું હતું, તેવું જ ભીમોરાના ઘેરા વખતે મરાઠી લશ્કર બની ગયું. ઘણા