પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ચાંપરાજ વાળો


મોટું ભળકડું હતું. હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંઇક ક્યાંઇક વીજળીના સળાવા થતા હતા. તેમાં ભાદરનું ડહોળું પાણે કોઇ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું.

એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે,ત્યાંની દરબારી ડોઢી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો (વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.) એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા ચાંટા ઝીલતો આવે છે.

એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર અંભળાય છે. કોઇ બાઇ માણસનું ગળું લાગ્યું.

‘નક્કી કોક નિરાધાર બોન-દીકરી !’ એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાડ્યા. તરવાર બગલમાંથી કાઢીને હાથમાં લઇ લીધી. કા કૉંટી છોડી નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું. વીજળીને સબકારે બે ઓળા વરતાણા.

“માટી થાજે, કુકર્મી !” એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતાં ખૂંદતાં દોટ દીધી. નજીક ગયો. ત્યાં ઊભો રહી ગયો. કોઇ આદમી ન દીઠો. માત્ર તેજના બે ઓળા જ દેખ્યા. અંગ ચોખ્ખાં ન દેખાણાં, પણ હતી તો સ્ત્રીઓ જ.એક ગાય છે ને બીજી રુએ છે.

“કોણ, ચાંપારાજ વાળો કે ?’ ગાતા ઓળાએમીઠે કંઠે પૂછ્યું.

‘હા, તમે કોણ બાઇયું ? અટાણે આંહીં શીદ કલ્પાંત કરો છો?”