પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

શૂરવીરની પહેલી મિલન-રાત


[દુહા]

પેલો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,

પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. (૧)

મીલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળા કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે.સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.

દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,

ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. (૨)

રાત્રિનો બીજો પહોર બેઠો.એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.

ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,

ધણ જીતી પિયુ હારિયો, રાખ્યો હાર કરે. (૩)

ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા.પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઇને.

ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,

ધણ સાંભળે કંચવો, પિયુ સંભાળે પાગ! (૪)

ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડાને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.

પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,

રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. (૫)