પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.

છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર

તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. (૬)

છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા; મનરૂપી કંસાર ; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.

સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,

પિયુજી લાવે અંકફળ, ધણ ઘોળે પિયુ ખાય. (૭)

દિવસને સાતમે પહોરે પતિ વાડીમા જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.

આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,

ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ.

આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.

𓅨❀☘𓅨❀☘