પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળી બા પસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો.

ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્યો. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : " ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવાજેવું નથી, હો બાપા ! હોશિયાર રે'જો."

ગેમાએ જવાબ દીધો : "એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તારે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ."

ગેમો નસકોરા ગજાવવા લાગ્યો. નસકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : " ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહિ હો!"

ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબડતો હતો : " હું કોણ ? હું ગેમો !"

આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરી તો આઘેથી તળાવડીમાં આગના તણખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચકમક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : " ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી હો!"

ગેમાનો તો એક જ જવાબ હતો : "મને ઓળખછ ? હું કોણ ? હું ગેમો !"

ગાડાં તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડાખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ તો ગેમો !"

જોતજોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : " મને ઓળખછ ? હું કોણ ? હું ગેમો !" ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.

એક જણે કહ્યું : " એલા, એને ઝટ રણગોળીટો કરી મેલો !"