પૃષ્ઠ:Rasdhar 1.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વાગતાં પોતે ગોઠણભેર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે. એ ઘા- ચંડી રૂપે ઘૂમતી એ ક્ષત્રિયાણીનો ઘા- જેના પર પડે છે તે ફરી વાર ઊઠવા નથી આપતો.

અઢાર વર્ષની ગર્ભવતી ગરાસણી લાકડીઓના ઘા અને તરવારોના ઝાટાકા ઝીલતી ઘૂમે છે. એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તરવાર એના હાથમાં આવી ગઈ. એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું; બચેલા બદમાશો પલાયન કરી ગયા.

ગેમો રણગોળીટો થઈને ઝાંખરામં પડેલો હતો. બાઈએ કહ્યું : "છોડી નાખો એ બાયલાને."

છૂટીને ગેમો ચાલ્યો ગયો, મોં ન બતાવી શક્યો. ફરી કોઈ વાર પચ્છેગામમાં ડોકાણો નહિ.

જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી; એના અંગેઅંગ ઉપરથી લોહી નીતરતું હતું; નેત્રોમાંથી ઝાળો છૂટતી હતી; હાથમાં લોહીથી તરબોળ તરવાર હતી. કાળી રાતે કોઈ ચંડિકા પ્રગટ થઈ ! વાહ ગરાસણી ! વનનાં ઝાડાવાં જોઈ રહ્યાં હતાં.

ગાડામાં બેસવાની એણે ના પાડી. ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહિ. એના શરીરમાં શૂરાતન ફાટફાટ થાતું હોય છે. ચાહે તેટાલા ઘા પડ્યા હોય, પણ એ ગાઉઓના ગાઉ ચાલી શકે; એનું લોહી શાંતિ પામે નહિ, રૂપાળીબા ચંડીરૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યાં.

સવાર પડ્યું ત્યાં મોણપરનું પાદર આવ્યું. એ એમના મામા દાદભાનું ગામ હતું. મામાને ખબર મોકલ્યા કે ઝટ કસૂંબો લઈને આવે.

કસૂંબો લઈને મામા હાજર થયા. દીકરીને જખ્મોની પીડા ન દેખાય માટે કસૂંબો લેવરાવ્યો. મામાએ આગ્રહ કર્યો :

"બેટા, અંહી રોકાઈ જાઓ."

'ના, મામા, મારે જલ્દી ઘેર પહોંચવું છે, માને અને મારા બાપુને મળી લેવું છે."

બહેન પચ્છેગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ધીંગાણાની વાત