પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માટે લૂગડાં અને દાગીના લેવા પોતે બોટાદ જતા હતા. ભેળો એક અસવાર હતો. માથે ઘણાં ઘણાં વેર હોવા છતાં ખાનગી ગામતરામાં વધુ અસવારો પોતે ન રાખતા.

બીજે દિવસે પ્રભાતે વોળદાન રેફડિયો એકલો હથિયાર બાંધી ઘોડીએ ચડ્યો; પોતાને સીમાડે મારગને કાંઠે મેહમાનની વાટ જોતો બેઠો. થોડી વાર થઇ ત્યાં તો ભળકતે ભાલે પડછંદ અસવારને ઘોડો રમાડતો દીઠો. લગોલગ આવતાં એ થોભાળો નર વરતાણો: અગાઉ કદી દીઠેલ નહિ, પણ કરડે ચહેરે ચાચરિયાને સીમાડે બીજો કોણ બે-મથાળો નીકળે? આવો બીજા કોની રાંગમાં રમતો હોય? અને આવા થોભા!

તું થોભા તાણીને મૂછે હાથ નાખછ મરદ!
(તે દી) ગઢપતિયાને ગામ વછૂટે ગેલિયા!


ઘેલાશા! તું જે દિવસ થોભા તાણીને તારી મૂછે હાથ નાખે છે, તે દિવસે રાજાઓને ગઢવાળા ગામે પણ ત્રાસ છૂટી જાય છે કે આજ નક્કી ઘેલાશા કોઇકને માથે પડશે.

એવા થોભા બીજા કોના હોય? નક્કી ઘેલોશા: નજીક આવતાં અસવારે પડકાર્યું:

"રામ રામ! કોણ, આપો વેળદાન કે?"

"હા, રામ રામ! તું ગેલોશા કે?"

"હા, હું જ ઘેલોશા, આપ વોળદાન! આવ્યા ખરા. વચને પળ્યા ખરા."

એમ કહીને પોતે ઘોડીનું પાઘડું છાંડી નીચે ઊતર્યો. ઉપરથી ગાદલી ઉપાડીને ભોં માથે પાથરીને પોતે ઉપર બેઠો. ખડીયો લ ઇને અંદરથી અફીણ કાઢ્યું: "લ્યો, આપ વોળદાન! આજ હું તમારો મે'માન થયો. આ લ્યો, કાઢો કસૂંબો, પ્રેમથી પીયેં."

વોળદાન નીરખી રહ્યો. આ તે ક ઇ જાતનો શત્રુ! આ ટાણે કસૂંબો પીવા બેસે છે! આવી ખાનદાની દેખીને વોળદાનનું અડધું જોર નીતરી ગયું. ફરી ઘેલાશા બોલ્યો:

"આપા વોળદાન! બેઠો કાં? કાઢો ઝટ કસૂંબો. પીધા વગર કાંઇ ચાલશે? આપણી આજ પ્રથમ પહેલી મુલાકાત કહેવાય.