પૃષ્ઠ:Rasdhar 1.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ને વળી હું તમારે સીમાડે મે'માન."

કસૂંબો નીકળ્યો. બેય જણાએ સામસામી અંજળિયો ભરી પિવરાવી. બેયની આંખો ઘેઘૂર બની ગઇ.

ઠીકાઠીકનો કેફ અવી ગયો ત્યારે ઘેલાશાએ હાકલ કરી: "હાં આપા વોળદાન! હવે ઉઠ્ય, ચડ્ય ઘોડીએ. આજ તારે સીમાડે બેમાંથી કોણ ખડ વાઢે છે એ નક્કી કરવુ છે."

"તારે હવે માટી થાજે, વાણિયા!" આવી સામી હાકલ કરીને વોળદાન રેફડિયે ઘોડી પલાણી. બેય અસવાર થયા. ભમ્મર ભાલે ઘોડીઓ કૂંડાળે નાખી. ચક્કર બંધાઇ ગયું. ઘોડીની તડબડાટી બોલી ગ ઇ. બરાબર જમાવટ થ ઇને પડ ગાજ્યું ત્યાં ઘેલાશાની બેઠક નીચેથી પલાણ સરવા લાગ્યું. સમજાયું કે ઘોડીનો તંગ ઢીલો પડી ગયો છે. એમ ને એમ કૂંડાળે ફરતા ફરતા પોતે નીચે ઊતર્યા. દોટ દેતી ઘોડીની સાથે પોતે પણ દોડતા દોડતા કસકસીને તંગ તાણ્યો:

ઘોડાની ઘમસાણમાં, તંગ લીધેલ તાણી,
ફોજુંમાં લાડૉ ફરે, ગેલો માધાણી,

ઘોડાની ઘમસાણ વચ્ચે તંગ તાણીને માધાશાનો બહાદુર બેટડો ગેલાશા વરલાડડા જેવો દીપતો ફરવા લાગ્યો અને ધીંગાણું જામતાની વાર લગોલગ થયા કે તુરતજ ઘેલાશાએ વેરીને પહેલો વારો દીધો: "હાં વોળદાન! ઘા કરી લે પે'લો ઘા તારો! જા, પછી મનની મનમાં ન રહી જાય!"

"આ લે ત્યારે! પે'લો ઘા સવા લાખનો." કહી વોળદાને ભાલાનો ઘા કર્યો. કોઇ દિવસ નિશાન ન્ ભૂલેલો એ અચૂક ભાલો આજ નિશાન ચૂકી ગયો. ઘેલશાએ ઘોડી ગોઠણભેર કરી દીધી. ભોંઠો પડીને વોળદાનનો ભાલો ભોંમાં ખૂંત્યો.

ઘેલાશાએ ગર્જના કરી: "એ વોળદાન! એમ ઘા ન થાય: જો, ભાલું આમ ફેંકાય." એમ કહી ભાલું ફેંક્યું. ઘોડીના તરિંગ વીંધીને ભાલું ભોંયમાં ગયું. ઘોડી પ્રુથ્વી સાથે જડાઇ ગ ઇ. વોળદાન નીચે પડ્યો. ઘેલાશાએ તલવાર