પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.

ભેંસોનાં દૂધ!

ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે.

ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા હોય, ખડ સુકાઈને ઊડી ગયાં હોય, અને ઝરણાં સૂકાં પડ્યાં હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક -બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝકૂંબતી હોય, લીલાછમ ખડ છાતીપૂર ઊભાં હોય, દરેક નદીજહ્રણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતાં સુધી ભુલાય તેમ નથી.

એક સારો વરસાદ થયાના ખબર મળતાં તો દૂર દૂરથી ચબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાનાં ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે. ઠેકઠેકાણે ઝૂંપડાં અને ઢોરની ઝોકો બંધાય છે, પરોડિયે પરોડિયે વલોણાંના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતાં પ્રભાતિયાં, રાત્રે ક્યાંક ભજનની ધૂન, તો ક્યાંક દુહા, ક્યાંક વાતો, તો ક્યાંક રબારીચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક, તો ક્યારેક પશુ (એ નામના હરણ)ની છીંકારીઓ, ક્યારેક સાબરનાં ભાડુક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના ટૌકા : આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય.

બરાબર મધ્યવીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે; ત્યાં રુક્‌મિણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શામ મૂર્તિવાળું મંદિર છે. એનું નામ તુળશીશ્યામ છે. કેટલાંક વરસો પહેલાં તુળશીશ્યામની આસપાસ