પૃષ્ઠ:Rasdhar 1.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાંક ઝૂંપડાં બાંધી ત્યાં જ પડ્યાં હતાં. તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો. ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડાં ચારણ કુટુંબ ત્યાં રહ્યાં.

એક ચારણને માત્ર બે નાનાં ખડાયાં રહ્યાં, બાકીનાં ઢોર તો મરી ગયાં; પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી. આ પ્રમાણે એ ચારણને ચાર નાનાં ખડાયાં થયાં. તેના ઉપર જ તેનો નિભાવ હતો. 'આગાળ જતાં સારી ભેંસો થશે, એનાં દૂધ-ઘીમાંથી ગુજરાન ચાલશે' એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી. ચારે ખડાયાં મોટાં થયાં અસલ ગીરની વખણાય છે તેવાં વળેલાં બબ્બે ત્રન ત્રન આંટા લઈ ગયેલાં શીંગ; દેવલના થંભ જેવા પગ; ટૂંકી ગુંદી; ફાંટમાં આવે એવાં આઉં; પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાનાં પાટિયાં : આમ બધી રીતે વખણાય તેવી ચારે ભેંસોને જોઈ ચારણ વર-વહુ આનંદ કરે છે.

દિવસે ચરીને સામ્જે રુંઝ્યું રડ્યે જ્યારે ભેંસો ઘેર આવે, ત્યારે ચારણિયાણી ઝોકના ઝાંપા પાસે જ ઊભી હોય. અને જોતાંવેંત જ 'મોળી ધાખી ઈડી! બાપ ! ગોદડ ઈડી ! ખમાં મોળી શેલર ! આઈનાં રખેપાં મોળી મા !' [૧]કરી કરી ભેંસોને આવકારે, પોતાના પછેડા વતી એનાં અંગ લૂછે; પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે.

ચારે ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે. 'ચારે વિયાશે; અધમણ દૂધ કરશે; રોજ સાત-આઠ શેર ઘીની છાશ થશે; ગુજરાન બહુ સારું ચાલશે.' એ વિચારોને વાતો બન્ને જણ કર્યા કરે છે અને આશામાં દોહ્યલા દિવસો વિતાવે છે.

ભાદરવો આવ્યો; ભરપૂર વરસ્યો, હેલી મચાવી. આઠેક દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને


  1. મારી ધાખી (નામની ભેંસ) આવી !
    બાપ ગોદડ (નામની ભેંસ) આવી!
    ખમ્મા તને મારી શેલર (નામની ભેંસ)!
    માતાજી તારાં રખવાળાં કરે, મારી મા!