પૃષ્ઠ:Rasdhar 2 - B.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯

એક તેતરને કારણે

એક તેતર સારુ આટલી બહાદુરી ?”

ત્યાં તો ઝાંપે જોમબાઈ દેખાણાં, ગોદમાં તેતર છે. પડછંદ રજપૂતાણીએ પ્રતાપભેર પૂછયું : “શું છે, બાપ?”

“ઈ જ ! ઈ જ અમારો ચોર ! ઈ જ તેતર ! લાવો પાછો.”

“તેતર પાછો અપાય કાંઈ? એ તો મારો શરણાગત ઠર્યો, ભાઈ ! વળી એ તો મારા ઠાકરના બાજઠ હેઠળ બેઠેલ હતો. એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય ?"

શરણ ગયો સોંપે નહિ, રજપૂતાંરી રીત,
મરે તેાય મેલે નહિ, ખત્રી હોય ખચીત,

“ અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો, બચ્ચાઓ ! ”

“ હા, અમે ચભાડો છીએ.”

“ત્યારે હું તમને શું શીખવું ? શરણે આવેલાને રજપૂત ન સોંપી દે, એટલુંય શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું, બાપ ?”

ચભાડો કોપ્યા : “હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી દ્યો.”

“ભાઈ! તમે ઘર ભૂલ્યા.” કહીને મા જોમબાઈએ તેતરને છાતીએ દાબ્યો, તેતરના માથા પર હાથ પંપાળ્યો.

“તો અમે તમારા લબાચા ફેંદી નાખશું. આંહીં પરદેશની માટી ઉપર તમે ભૂંડાં લાગશો.”

જોમબાઈએ કહ્યું : “શીદ ઠાલા ઝેર વાવો છો ? અમને પરદેશીઓને શા સારુ સંતાપો છો ? કહો તો મારાં ઘેટાં આપું, ગાય-ભેંસ દઉં, પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ?”